રાજકારણ@દેશ: કેન્દ્રીય કેબિનેટે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય કેબિનેટે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. 19 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ હતી. સરકાર તેને સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે છે. બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે.
સંયુક્ત સંસદીય સમિતિના અહેવાલના આધારે વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અગાઉ 13 ફેબ્રુઆરીએ બજેટ સત્રના પ્રથમ તબક્કામાં વક્ફ બિલ પર JPC રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. વિપક્ષે આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો. આ પછી સંસદમાં હોબાળો થયો હતો.
27 જાન્યુઆરીએ વક્ફ (સંશોધન) બિલની તપાસ કરતી JPCએ ડ્રાફ્ટ રિપોર્ટને મંજૂરી આપી હતી. JPCની બેઠકમાં 44 સંશોધન પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ NDA સાંસદોના નેતૃત્વમાં 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા. જ્યારે વિપક્ષના સંશોધનને સદંતર નામંજૂર કરવામાં આવ્યા હતા.
ઓગસ્ટ 2024માં લઘુમતી બાબતોના પ્રધાન કિરણ રિજિજુ દ્વારા વક્ફ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી તેને જેપીસીને મોકલવામાં આવ્યું હતું. બાદમાં જેપીસીએ આ અંગે 655 પાનાનો રિપોર્ટ આપ્યો હતો.