રાજકારણ@દેશ: સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટનું વિભાજન કર્યું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાસ્ટ્રમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં કેબિનેટના શપથ લીધાના 6 દિવસ બાદ શનિવારે સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટનું વિભાજન કર્યું. મુખ્યમંત્રીએ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે.
ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને શહેરી વિકાસ વિભાગ મળ્યો છે. ડેપ્યુટી સીએમ અજિત પવારને નાણા અને આબકારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ફડણવીસે ગૃહ મંત્રાલય ઉપરાંત ઉર્જા, કાયદો અને ન્યાયતંત્ર, સામાન્ય વહીવટ વિભાગ અને માહિતી અને પ્રચાર વિભાગને પોતાની પાસે રાખ્યા છે. 15 ડિસેમ્બરે નાગપુરમાં કેબિનેટનું વિસ્તરણ થયું હતું. 33 કેબિનેટ અને 6 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા.
સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય સંભાળ્યું હતું. તેઓ આ મંત્રાલય છોડવા માગતા નહતા. બીજી તરફ શિંદે જૂથની દલીલ છે કે જો અમને ડેપ્યુટી સીએમનું પદ મળી રહ્યું છે તો તેમને ગૃહ મંત્રાલય પણ મળવું જોઈએ. ભાજપ ગૃહ, મહેસૂલ, ઉચ્ચ શિક્ષણ, કાયદો, ઉર્જા, ગ્રામીણ વિકાસને પોતાની પાસે રાખવા માગતું હતું.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના 23મા દિવસે રવિવારે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. ફડણવીસ સરકારમાં 33 કેબિનેટ અને 6 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા. સીએમ અને 2 ડેપ્યુટી સીએમ સહિત આ સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. કેબિનેટમાં કુલ 43 મંત્રીઓ શપથ લઈ શકે છે. એક સીટ ખાલી રાખવામાં આવી છે.
ફડણવીસ સરકારમાં ભાજપના 19, શિવસેનાના 11 અને એનસીપીના 9 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિંદે સરકારના 12 મંત્રીઓને તેમાં સ્થાન મળ્યું નથી. જેમાંથી 4 ભાજપના, 3 શિવસેના, 5 એનસીપીના છે. 19 નવા મંત્રી બન્યા. જેમાંથી 9 ભાજપના, 8 શિવસેના અને 4 એનસીપીના છે.
આ સિવાય 4 મહિલાઓ અને 1 મુસ્લિમને સરકારમાં સ્થાન મળ્યું છે. સૌથી યુવા મંત્રી NCPના અદિતિ તટકરે છે, સૌથી મોટી ઉંમરના મંત્રી ભાજપના ગણેશ નાઈક છે.