રાજકારણ@દેશ: કોંગ્રેસની સંસદીય દળની બેઠક શરૂ થઇ, કોંગ્રેસ દિલ્હી-હરિયાણામાં AAP સાથે ગઠબંધન તોડી શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચૂંટણીનું રિજલ્ટ આવી ગયું છે. કોંગ્રેસ દિલ્હી અને હરિયાણામાં AAP સાથે ગઠબંધન તોડી શકે છે. સાથે રાહુલ વાયનાડ સીટ છોડીને રાયબરેલી સીટ પોતાની પાસે રાખશે. શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાંથી આ સંકેતો મળ્યા છે.
કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ અલકા લાંબાએ ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'કેજરીવાલ સહિતના મોટા નેતાઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં હોવાથી અને સ્વાતિ માલીવાલ સાથેની લડાઈને કારણે કોંગ્રેસ પાર્ટીને ગઠબંધનથી નુકસાન થયું છે. તેમણે કહ્યું કે પંજાબમાં અમે AAP સાથે ગઠબંધન નથી કર્યું, તેનો સીધો ફાયદો અમને થયો.
3 કલાક સુધી ચાલી CWCની બેઠક, રાહુલને વિપક્ષના નેતા બનાવવાની માગ
CWCની બેઠક દિલ્હીની અશોકા હોટલમાં લગભગ 3 કલાક સુધી ચાલી હતી. પાર્ટીના સાંસદોએ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાનો ઠરાવ પણ પસાર કર્યો હતો. આના પર રાહુલે કહ્યું, 'મને વિચારવાનો સમય આપો.' આ પોસ્ટ છેલ્લા 10 વર્ષથી ખાલી છે.
લોકસભામાં વિપક્ષના નેતાનું પદ છેલ્લાં 10 વર્ષથી ખાલી છે. 2014માં કોંગ્રેસને 44 અને 2019માં 52 બેઠક મળી હતી. ભાજપ પછી કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી. તેમ છતાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળ્યું નહોતું. ખરેખરમાં વિપક્ષના નેતાના પદ માટે કોઈપણ પક્ષ પાસે લોકસભાની કુલ બેઠકના 10 ટકા હોવી આવશ્યક છે, એટલે કે 543 બેઠકોમાંથી કોંગ્રેસને આ માટે 54 સાંસદની જરૂર હોય છે. આ વખતે કોંગ્રેસે પોતાના દમ પર 99 બેઠક મેળવી છે.
સાંજે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક મળશે. ખડગે પાર્ટીના નેતાઓ માટે અશોક હોટલમાં ડિનર પણ યોજશે. આ તરફ, લખનઉમાં નવા ચૂંટાયેલા સપા સાંસદોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ કરહલથી તેમના વિધાનસભા સભ્યપદ પરથી રાજીનામું આપશે. તેઓ કન્નૌજથી સાંસદ રહેશે. વિધાનસભાના સભ્યપદની સાથે તેમણે યુપીમાં વિપક્ષના નેતાનું પદ પણ છોડશે.
લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ આજે ચોથો દિવસ (શનિવાર, 8 જૂન) છે. આવતીકાલે, એટલે કે 9મી જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે તેમજ, I.N.D.I.A. ગઠબંધનમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.