રાજકારણ@દેશ: કેટલાક શબ્દોએ 8 વર્ષથી મંત્રી રૂપાલાનું પદ છીનવ્યું, જાણો વધુ વિગતે

રૂપાલાનું પદ છીનવ્યું

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચૂંટણી પહેલા રૂપાલાએ એક ટીપ્પણી કરી હતી. જેના કારણે લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો. 2024ની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં રૂપાલાએ રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કરી. તેમની ટિપ્પણીમાં તેઓ રાજા-મહારાજાઓ વિશે ફક્ત 7 જ શબ્દો બોલ્યા હતા અને આ શબ્દોથી વિવાદનો મધપૂડો છેડાઈ ગયો. આ ટિપ્પણીથી ક્ષત્રિયોનું આંદોલન શરૂ થયું. પુરુષોત્તમ રૂપાલાએ 3 વાર માફી માગી હતી. પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલે પણ બે હાથ જોડીને ક્ષત્રિયોની માફી માગી હતી. આમ છતાં ક્ષત્રિયોનો રોષ શાંત ન થયો અને ક્ષત્રિય આંદોલન ચાલુ જ રહ્યું.

આમ જોઇએ તો રૂપાલા સામે મેદાને પડેલા ક્ષત્રિયોનું આંદોલન 3 અલગ-અલગ માગ સાથે આગળ વધ્યું. જેમ-જેમ રૂપાલા આગળ વધતા ગયા એમ-એમ ક્ષત્રિયોની માગ પણ બદલાતી રહી. રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ક્ષત્રિયોએ પહેલી માગ કરી કે ભાજપ તેમની ટિકિટ રદ કરે, પરંતુ ભાજપ મક્કમ રહ્યો, તેણે રૂપાલાની ટિકિટ યથાવત્ રાખી. આ પછી પ્રચંડ પ્રચાર સાથે રૂપાલાએ પોતાનું ઉમેદવારીપત્રક ભર્યું.

રૂપાલાએ ઉમેદવારીપત્રક ભરી દેતાં ક્ષત્રિયોએ પણ રણનીતિ બદલી. હવે તેમણે રૂપાલા ફોર્મ પાછું ખેંચી લે એવી માગ કરી. આ વખતે પણ ભાજપ અને રૂપાલા મક્કમ રહ્યા. રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચ્યું અને પોતાની ઉમેદવારી યથાવત્ રાખી. હવે રૂપાલા સામેનો ક્ષત્રિયોનો રોષ ભાજપ સામેના રોષમાં ફેરવાઇ ગયો. ક્ષત્રિયોએ ફક્ત રૂપાલાને જ નહીં, પરંતુ ભાજપને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું. ઠેર-ઠેર ક્ષત્રિય સંમેલન યોજ્યાં. ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ખુલ્લેઆમ અપીલ કરી.

ક્ષત્રિયોની આ અપીલ અસરકારક સાબિત થઈ કે નહિ એ 4 જૂને આવેલા રાજકોટ બેઠકના પરિણામે સાબિત કરી દીધું છે. ક્ષત્રિયોના વિરોધનો સામનો કરતાં-કરતાં રૂપાલા ટિકિટ બચાવવામાં સફળ રહ્યા, ઉમેદવારીપત્રક પાછું ન ખેંચાય એમાં સફળ રહ્યા અને રાજકોટ બેઠક પરથી જંગી લીડ સાથે જીતવામાં પણ સફળ રહ્યા. આમ, આ 3 કોઠા તો રૂપાલાએ સારી રીતે વીંધી લીધા, પરંતુ ચોથો કોઠો (મંત્રીપદ મેળવવામાં) વીંધવામાં તેઓ નિષ્ફળ રહ્યા.

રૂપાલાનું મંત્રીપદ છીનવાઈ જતાં ક્ષત્રિય આંદોલન સાથે જોડાયેલા લોકો શું માને છે એ જાણવા દિવ્ય ભાસ્કરે તેમનો સંપર્ક કર્યો હતો.


પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે સૌથી પહેલા વિરોધ કરનારાં પદ્મિનીબા વાળાએ વ્યક્તિગત મત વ્યક્ત કરતાં કહ્યું, રૂપાલાને મંત્રી મંડળમાં ન સમાવીને સરકારે અમારી નોંધ લીધી છે, જે સારું કહેવાય. 2-3 દિવસમાં અમારી મિટિંગ થવાની છે, જેમાં આગળની રણનીતિ ઘડાશે. મેં તો પહેલાં જ વ્યક્તિગત રીતે રૂપાલાને માફ કરી દીધા હતા. હવે વિરોધ રૂપાલાનો રહ્યો નથી, આંદોલન ભાજપ-કોંગ્રેસનું થઇ ગયું હતું. સંકલન સમિતિએ તો આંદોલનનો દાટ વાળી દીધો હતો. ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ક્ષત્રિય આંદોલન ફરી એક્ટિવ થશે. અમારા સમાજનો યુવા વર્ગ એવું માને છે કે જો ભાજપ અમારી માગ પૂરી નહિ કરે તો ફરીથી આંદોલન થશે.