રાજકારણ@દેશ: મોદીએ રાજ્યસભામાં મણિપુર વિશે શું કહ્યું?, વધુ વિગતે સમજો

 મણિપુરમાં 11 હજાર FIR

 
મોદી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોદીએ નોર્થ-ઈસ્ટની પરિસ્થિતિની વાત કરીને મણિપુર મુદ્દાનો જવાબ આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે ગયા વર્ષના સત્રમાં મેં મણિપુર વિશે વિગતવાર કહ્યું હતું, આજે હું ફરી કહી રહ્યો છું. સરકાર ત્યાં સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં 11 હજારથી વધુ FIR દાખલ કરવામાં આવી છે, 500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ પણ સ્વીકારવું પડશે કે મણિપુરમાં હિંસક ઘટનાઓ સતત ઘટી રહી છે. આજે મણિપુરના મોટા ભાગના વિસ્તારોમાં શાળાઓ, કોલેજો, ઓફિસો અને અન્ય સંસ્થાઓ રાબેતા મુજબ ચાલી રહી છે. મણિપુરમાં પણ પરીક્ષાઓ યોજાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક સાથે સંવાદ કરીને સંગઠનોને મનાવીને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરે છે.

ગૃહમંત્રી પોતે કેટલાય દિવસો સુધી ત્યાં રોકાયા હતા. ગૃહ રાજ્યમંત્રી અઠવાડિયાઓ સુધી ત્યાં રહ્યા અને લોકોને જોડવાનું કામ કર્યું. સરકારની સાથે-સાથે અધિકારીઓ પણ ત્યાં જઈને પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં મણિપુરમાં પૂરનું સંકટ છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સંપૂર્ણ સહકાર આપી રહી છે. આજે જ NDRFની બે ટીમ ત્યાં પહોંચી ગઈ છે.


રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું, જેઓ મણિપુરનો ઈતિહાસ જાણે છે તેમને ખબર છે કે ત્યાં સામાજિક સંઘર્ષનો ઈતિહાસ રહ્યો છે. આ કારણોસર મણિપુરમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવું પડ્યું. હું આ ગૃહમાં દેશને કહેવા માગું છું કે 1993માં મણિપુરમાં આવી જ ઘટનાઓ બની હતી, જે 5 વર્ષ સુધી ચાલુ રહી હતી. આપણે આ ઈતિહાસને સમજીને પરિસ્થિતિઓને સુધારવી પડશે. આપણે બધાએ રાજકારણથી પર ઊઠીને ત્યાંની સ્થિતિને સામાન્ય બનાવવા માટે કામ કરવું જોઈએ. જે પણ તત્ત્વો મણિપુરની આગમાં ઘી હોમી રહ્યાં છે તેઓ બંધ કરે. એક સમય એવો આવશે, જ્યારે મણિપુર તેમને રિજેક્ટ કરશે.