રાજકારણ@દેશ: રાષ્ટ્રપતિ બાઈડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પાર્ટીનું સત્તાવાર સુકાન સોંપ્યું

બાઇડન છેલ્લા પ્રવચનમાં રડી પડ્યા

 
રાજકારણ@દેશ: રાષ્ટ્રપતિ બાઈડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પાર્ટીનું સત્તાવાર સુકાન સોંપ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના રાજકારણમાં કેટલાક બદલાવો જોવા મળતા હોય છે. અમેરિકાના શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન શરૂ થયું છે. કાર્યક્રમના અંતે રાષ્ટ્રપતિ જો બાઈડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સત્તાવાર રીતે પાર્ટીનું સુકાન સોંપ્યું હતું. આ સાથે કમલા ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદનાં ઔપચારિક ઉમેદવાર બની ગયાં છે.

શિકાગો સંમેલનના પહેલા દિવસે રાષ્ટ્રપતિ જો બાઈડન, ફર્સ્ટ લેડી જિલ બાઈડન અને ભૂતપૂર્વ સેક્રેટરી ઑફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને પણ વક્તવ્ય આપ્યું હતું. જ્યારે બાઈડન સ્ટેજ પર પહોંચ્યા ત્યારે લોકો 'થેન્ક યુ જો' ના નારા લગાવી રહ્યા હતા. તેઓ તેની પુત્રી એશ્લે બાઈડનને ભેટી પડ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાનાં આંસુ લૂંછતા પણ જોવા મળ્યા હતા. પોતાના છેલ્લા પ્રવચનમાં બાઈડનને રડતા જોઈને ઉપસ્થિત લોકો પણ ગળગળા બની ગયા હતા.

કાર્યક્રમના છેલ્લા દિવસે ગુરુવારે કમલા હેરિસ ઔપચારિક ભાષણ આપશે. તેઓ દેશ માટેનું પોતાનું વિઝન અને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાની યોજના જણાવશે. આ પહેલાં મંગળવારે (20 ઓગસ્ટ) પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બુધવારે (21 ઓગસ્ટ) બિલ ક્લિન્ટનનું ભાષણ થશે.

રાષ્ટ્રપતિ બાઈડને તેમના વિદાય ભાષણમાં તેમના કાર્યકાળની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સિદ્ધિઓ કમલા હેરિસ સાથે મળીને કામ કર્યું ને આપણને મળી. તેમણે કોરોના કાળ દરમિયાન અમેરિકાને વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી હતી.

બાઈડને ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી. ટ્રમ્પ જ્યારે અમેરિકા વિશે વાત કરે છે ત્યારે લાગે છે કે અમેરિકા એક વિઘટનશીલ દેશ છે. તેઓ વિશ્વમાં અમેરિકાની છબિ ખરાબ કરે છે.

ટ્રમ્પ કહે છે કે અમેરિકા હારી રહ્યું છે, વાસ્તવમાં તેઓ હારેલા છે. વિશ્વના એક એવા દેશનું નામ જણાવો, જે એવું ન વિચારે કે આપણે વિશ્વમાં મોખરે છીએ? અમેરિકા જીતી રહ્યું છે. ટ્રમ્પના અગાઉના કાર્યકાળ કરતાં અમેરિકા હવે વધુ સમૃદ્ધ અને સુરક્ષિત છે. બાઈડને કહ્યું હતું કે તેમની પાર્ટી લોકશાહી બચાવવા માટે લડી રહી છે. તેમણે 2020ની ચૂંટણી પણ આ જ કારણોસર લડી હતી.


હિલેરી ક્લિન્ટને ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન (DNC)માં તેમના પક્ષના રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર કમલા હેરિસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનીને હંમેશાં દેશને આગળ લઈ જશે. તેઓ સારા પગારવાળી નોકરીની વ્યવસ્થા કરશે. તેઓ દેશમાં ગર્ભપાત અધિકારો લાગુ કરશે. ક્લિન્ટન 2016માં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હતાં. તેઓ અમેરિકાનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હતાં, પરંતુ તેઓ ટ્રમ્પ સામે હારી ગયાં હતાં.


ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન માટે તમામ 50 રાજ્યમાંથી પાર્ટીના નેતાઓ શિકાગો પહોંચ્યા છે. તેઓ ડેમોક્રેટિક પાર્ટીનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની રાષ્ટ્રપતિપદની ઉમેદવારીને સમર્થન કરશે. આ કાર્યક્રમમાં 50 હજાર લોકો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 5 હજાર ડેલિગેટ્સ છે.


DNC એ ડેમોક્રેટિક પાર્ટીનો સૌથી મોટો કાર્યક્રમ છે, જે ચૂંટણી પહેલાં ચાર વર્ષમાં એકવાર યોજાય છે.એ 1832માં શરૂ થયો હતો. ત્યાર બાદ ડેમોક્રેટિક કાર્યકર્તાઓ બાલ્ટીમોરમાં એકઠા થયા અને તત્કાલીન પ્રમુખ એન્ડ્રુ જેક્સનને બીજી વખત પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટ્યા.

જોકે આ વખતનું DNC પહેલાં કરતાં થોડું અલગ હશે. રાષ્ટ્રપતિ જો બાઈડન 2024 માટે પાર્ટીના ઉમેદવારની ચૂંટણી જીત્યા હતા. જોકે પાર્ટીમાં વિખવાદ પછી તેમણે પોતાને રેસમાંથી બહાર કાઢ્યા.

બાઈડનના બહાર નીકળ્યા પછી ડેમોક્રેટિક પાર્ટીએ વર્ચ્યુઅલ રોલ કૉલમાં ઉપરાષ્ટ્રપતિ કમલાને સત્તાવાર રીતે નામાંકિત કર્યાં છે. આ વખતે ડીએનસી શિકાગોમાં યોજાઈ રહી છે. અગાઉ 1996માં રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. ત્યારે રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ફરીથી ચૂંટણીની રેસમાં હતા. ત્યારે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી પણ જીત્યા હતા.