રાજકારણ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન, રાહુલે કહ્યું- અમે PM મોદીનો વિશ્વાસ તોડ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ_કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC) જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી એકસાથે લડશે. નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ ગુરુવારે 22 ઓગસ્ટે રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, 'બંને પક્ષો રાજ્યની તમામ 90 બેઠક પર સાથે મળીને ચૂંટણી લડશે. આજે રાત સુધીમાં સીટો ફાઈનલ થઈ જશે. અમને આશા છે કે અમે ફરીથી સત્તામાં આવીશું. અમારા દરવાજા દરેક માટે ખુલ્લા છે.
અગાઉ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરવું અને એને રાજ્યનો દરજ્જો પાછો અપાવવો એ સૌથી મહત્ત્વપૂર્ણ છે. મારે અહીંથી લોહીના સંબંધો છે. આવી સ્થિતિમાં અમને આશા છે કે ચૂંટણીમાં લોકો અમને ચોક્કસ સમર્થન આપશે. રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું, અમે લોકસભા ચૂંટણીમાં PM મોદીનો વિશ્વાસ તોડ્યો છે. હવે તેમની છાતી 56 ઇંચની રહી નથી. તેઓ નમેલા ખભા સાથે ચાલે છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં ગઠબંધન ત્યારે જ થશે, જ્યારે કોંગ્રેસના તમામ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જો અમે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી જીતીશું તો આખું ભારત અમારા નિયંત્રણમાં આવી જશે. રાહુલ અને ખડગે જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસ પર છે. બંને નેતા 21 ઓગસ્ટની સાંજે શ્રીનગર પહોંચ્યા હતા. બંને નેતા બીજા દિવસે કાર્યકરોને મળ્યા હતા.
ભાષણના મોટા મુદ્દા...
- જેવી અમને ખબર પડી કે ચૂંટણી થવાની છે, ખડગેજી અને મેં નક્કી કર્યું કે અમે પહેલા જમ્મુ અને કાશ્મીર આવીશું. અમે સમગ્ર દેશને સંદેશ આપવા માગીએ છીએ કે અહીં તેમનું પ્રતિનિધિત્વ કરવું અને રાજ્યનો દરજ્જો પાછો મેળવવો એ અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે.
- ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો હોય અને એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હોય. એ આપણા માટે મહત્ત્વપૂર્ણ છે કે તે એની જૂની સ્થિતિ પાછી મેળવે, તેથી જ અમે બધા પ્રથમ અહીં સાથે આવ્યા હતા.
- હું સમગ્ર દેશમાં લોકશાહીનું રક્ષણ કરું છું, પરંતુ મારો ઉદ્દેશ દેશના લોકોના હૃદયમાં રહેલા ડરને ખતમ કરવાનો છે, જે તમે લોકો સહન કરો છો. હું, ખડગે અને કોંગ્રેસ એને ભૂંસી નાખવા માગીએ છીએ.
- ગઈકાલે જ્યારે અમે આઈસક્રીમ ખાવા ગયા હતા ત્યાં રહેલા લોકોએ કહ્યું, તમને જમ્મુ-કાશ્મીરના લોકો ગમે છે. હું ચિડાઈ ગયો. મેં કહ્યું- ના, મને અહીંના લોકો પસંદ નથી. પછી મેં કહ્યું, જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે સમજું છું કે આ જૂનો સંબંધ છે. લોહીનો સંબંધ છે.
- તમે જોયું છે કે ઈન્ડિયા એલાયન્સે ચૂંટણીમાં મોદી અને તેમની પાર્ટીને બરબાદ કરી દીધી છે. તમે જોયું હશે કે પહેલાં મોદીજી પહોળી છાતી સાથે આવતા હતા, પરંતુ હવે તેઓ આમ નથી આવતા. તેમને મેં નહીં, પરંતુ પ્રેમ અને એકતાએ હરાવ્યા છે. અમે તેમનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો છે.
- નફરતના બજારમાં આપણે પ્રેમની દુકાન ખોલવી પડશે. ધિક્કારથી નફરતનો નાશ થઈ શકતો નથી, પ્રેમથી નષ્ટ થઈ શકે છે, નફરતને પ્રેમથી હરાવીશું.
બુધવારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર ચર્ચા થઈ હતી. કોંગ્રેસ એનસી સાથે ગઠબંધનની શક્યતા શોધી રહી છે, તેથી આજે ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા પણ રાહુલ-ખડગેને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ-અધ્યક્ષ તારિક હામિદ કારાએ એનસી મહાસચિવ અલી મોહમ્મદ સાગર સાથે બેઠક કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે કાશ્મીરમાંથી 12 સીટોની માંગણી કરી હતી. જમ્મુમાં NCને સમાન સંખ્યામાં બેઠકો આપવાની ઓફર પણ કરી હતી.
જોકે NC નેતાઓ કોંગ્રેસ માટે ઘાટીમાંથી આટલી બધી બેઠકો છોડવા તૈયાર જણાતા નથી. બાદમાં NC નેતાઓએ અબ્દુલ્લા સાથે મુલાકાત કરી અને કોંગ્રેસ સાથે બેઠક વહેંચણી અંગે તેમની સાથે કોંગ્રેસની માગણી અંગે ચર્ચા કરી. બંને સાંજે દિલ્હી જવા રવાના થશે.
એક અધિકારીએ જણાવ્યું કે, રાહુલ અને ખડગે મોડી સાંજે શ્રીનગરની પ્રખ્યાત અહદૂસ રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યા હતા. આ રેસ્ટોરન્ટ કાશ્મીરી ફૂડ માટે ફેમસ છે. અહીંથી જેલમ નદીનો નજારો દેખાય છે. રાહુલ રેસ્ટોરન્ટમાં માત્ર ડિનર કરવા ગયા હતા કે કોઈને મળવા ગયા હતા એ હજુ સુધી જાણી શકાયું નથી.