રાજકારણ@દિલ્હી: INDIA ગઠબંધનમાં ભંગાણ? સ્ટાલિન-પવારને મનાવવા દોડ્યા ખડગે-સોનિયા!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સીમાંકન બિલને લઈને દેશના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. વિપક્ષી ગઠબંધન INDIA ની અંદર જ તણાવ વધતા હવે કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ સાથી પક્ષોને મનાવવા મેદાનમાં ઉતર્યું છે.
DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન અને NCP (SP) ના વડા શરદ પવારે સીમાંકન બિલ મુદ્દે NDA ને સમર્થન આપવાના સંકેત આપી દીધા છે. સ્ટાલિને તો જાહેરમાં જ કહી દીધું હતું કે, અમારી માગણીઓ પૂર્ણ થશે તો અમે NDA ને ટેકો આપીશું.
આ સ્થિતિને જોતા હવે મહિલા અનામત અને સીમાંકન બિલ સરળતાથી પાસ થઈ જાય તેવી સ્થિતિ બની છે. આને રોકવા માટે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આજે બંને નેતાઓને રૂબરૂ મળશે.
*બપોરે ચેન્નઈ, સાંજે મુંબઈ*
નિર્ધારિત કાર્યક્રમ મુજબ કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ બપોરે 2 વાગ્યે ચેન્નઈ પહોંચશે. ત્યાં ખડગે તમિલનાડુના મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન સાથે ચર્ચા કરશે.
ચેન્નઈની બેઠક પૂર્ણ કર્યા બાદ નેતાઓ સાંજે મુંબઈ જવા રવાના થશે. મુંબઈમાં NCP (SP) ના પ્રમુખ શરદ પવાર સાથે નિર્ણાયક બેઠક યોજાશે. આ બેઠકમાં સીમાંકન બિલ અને ગઠબંધનની આગળની રણનીતિ અંગે ગહન મંત્રણા થશે.
*શું બદલાશે સમીકરણ?*
કોંગ્રેસ શાસિત 3 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ પ્રયાસોમાં જોડાઈ શકે છે. હવે સૌની નજર એ વાત પર છે કે શું ખડગે-સોનિયા સ્ટાલિન અને પવારને મનાવી શકશે? કે પછી INDIA ગઠબંધનમાં ભંગાણ પડશે?આગામી થોડા કલાકોમાં જ રાજકીય સમીકરણ સ્પષ્ટ થઈ જશે.

