રાજકારણ@દિલ્હીઃ રાહુલ ગાંધી પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠા, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી પેલેટ ગનથી પીડિત સાહિલ લોહબચની FIR નોંધાશે નહીં, ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં.
તેમણે સાહિલને વાગેલા પેલેટ ગનના છરા બતાવ્યા અને કહ્યું, 'પેલેટ ગન ચાલવાના પુરાવા છે. આ છરા સાહિલના શરીરમાંથી નીકળ્યા છે. જો પોલીસે ગન નથી ચલાવી તો કોણે ચલાવી છે. પોલીસ કહી રહી છે કે તેમને FIR ન કરવાના ઉપરથી નિર્દેશ છે.'
તેમની સાથે પ્રિયંકા ગાંધી, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ અને જયરામ રમેશ પણ હાજર છે. 20 જુલાઈએ સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી સાહિલ ઘાયલ થયા હતા.
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આ પ્રદર્શન વિદ્યાર્થીઓ કે ન્યાય માટે નહીં, પરંતુ રાજકીય નિરાશા અને મીડિયાનું ધ્યાન ખેંચવા માટે છે. તો બીજી તરફ સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ક્યારેય પોલીસ પર થતા હુમલાઓ વિરુદ્ધ કેમ નથી બોલતા.
રાહુલે કહ્યું- ફરિયાદની કોપી જ ન મળી
રાહુલનો આરોપ છે કે 20 જુલાઈના પ્રદર્શનમાં સાહિલ પેલેટ ગનથી ઘાયલ થયા. 14 ઓગસ્ટે તેમણે દિલ્હી પોલીસને લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ તેમને ફરિયાદની કોપી જ ન મળી. 17 ઓગસ્ટે ઈમેઈલ અને ફોન દ્વારા પણ ફરિયાદ પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી, પરંતુ કંઈ ન થયું.
દિલ્હી પોલીસે કહ્યું- ફરિયાદ પણ ક્રાઇમ બ્રાન્ચને મોકલવામાં આવશે
દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદ પીડિતે પોતે આપી છે. 20 જુલાઈએ નોંધાયેલા તમામ કેસોની તપાસ પહેલાથી જ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. પોલીસે ફરિયાદકર્તાને જણાવ્યું છે કે તેમની ફરિયાદ પણ ક્રાઇમ બ્રાન્ચને મોકલવામાં આવશે. નવી દિલ્હીના DCP સચિન શર્મા રાહુલ ગાંધીના સતત સંપર્કમાં છે.

