રાજકારણ@દિલ્હીઃ સીમાંકન-મહિલા અનામત બિલ ફરી આવશે? કોંગ્રેસે બોલાવી તાત્કાલિક બેઠક

30 નવેમ્બરથી સંસદનું સ્પેશિયલ સેશન, મહિલા અનામત પર ફરી ઘમાસાણ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્ર સરકારે 30 નવેમ્બરથી સંસદનું ખાસ સત્ર બોલાવવાનો નિર્ણય લીધા બાદ રાજકારણ ગરમાયું છે. લોકસભા 30 નવેમ્બરે અને રાજ્યસભા 2 ડિસેમ્બરે મળશે. આ સત્ર 3 ડિસેમ્બર સુધી ચાલવાની શક્યતા છે.

સરકાર આ સત્રમાં સીમાંકન સાથે જોડાયેલું મહિલા અનામત બિલ ફરી લાવી શકે છે તેવી અટકળો તેજ થઈ છે. આ બિલ પસાર કરવા માટે બંને ગૃહમાં બે-તૃતીયાંશ બહુમતી જરૂરી છે. એપ્રિલ મહિનામાં વિપક્ષે આ બિલને હરાવી દીધું હતું. ત્યારે 298 વોટ તરફેણમાં અને 230 વોટ વિરુદ્ધમાં પડ્યા હતા.

*શું છે બિલમાં?*

સરકારના પ્રસ્તાવ મુજબ 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરીને લોકસભાની બેઠકો 543થી વધારીને વધુમાં વધુ 850 કરવામાં આવશે. ત્યારબાદ 33% મહિલા અનામત લાગુ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આનાથી 2029 પહેલા જ મહિલા અનામતનો કાયદો લાગુ થઈ શકશે.

*કોંગ્રેસનું વલણ*

કોંગ્રેસે આ મુદ્દે આજે સ્ટ્રેટેજી બેઠક બોલાવી છે. કોંગ્રેસની માગણી છે કે મહિલા અનામત તાત્કાલિક લાગુ કરવામાં આવે, બેઠકો વધાર્યા વગર. સીમાંકન થવું હોય તો તે 2027ની વસ્તી ગણતરીના આધારે થવું જોઈએ.

કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે સવાલ ઉઠાવ્યો છે કે, 2023માં જ 106મો બંધારણીય સુધારો પસાર થઈ ગયો છે, તો પછી નવા બિલની જરૂર શા માટે? સરકાર જૂનો કાયદો જ કેમ લાગુ નથી કરતી?

*સરકારનો દાવો*

સરકારી સૂત્રોનો દાવો છે કે આ વખતે સરકાર પાસે જરૂરી સંખ્યાબળ છે. એનસીપી (શરદ પવાર) અને ડીએમકે જેવા પક્ષોના સમર્થનની વાત પણ સામે આવી રહી છે. આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની તાત્કાલિક બેઠક પણ યોજાવાની છે.