રાજકારણ@દેશ: લોકસભામાં વિપક્ષનો હોબાળોના કારણે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ

રાહુલ આજે લોકસભામાં પેપર લીક સુધારા બિલ પર બોલશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સવારે 11 વાગ્યે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ હોબાળો ચાલુ રાખ્યો. આ પછી સ્પીકરે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.

લોકસભામાં આજે પેપર લીક સંબંધિત 'પબ્લિક એક્ઝામિનેશન સંશોધન બિલ, 2026' પર સતત બીજા દિવસે ચર્ચા થશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ આ બિલ પર વિચારણા અને તેને પસાર કરાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી બપોરે લગભગ 12:30 વાગ્યે આ બિલ પર પોતાની વાત રજૂ કરી શકે છે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જન્મ અને મૃત્યુ નોંધણી  બિલ, 2026 લોકસભામાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા સંબંધિત સુધારા બિલ રજૂ કરશે. ગૃહમાં વિવિધ મંત્રાલયો સંબંધિત દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવશે.

પેપર લીક સંબંધિત બિલ પર આજે લોકસભામાં મતદાન થઈ શકે છે. આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ પહેલા મંગળવારે લોકસભામાં બિલ પર બપોરે 2 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી 9 કલાક ચર્ચા થઈ હતી. આ બિલમાં 2024માં બનેલા કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે. સરકારનું કહેવું છે કે સુધારા બિલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને પેપર લીક પર કડક પ્રતિબંધ લગાવવાનો છે.

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થયું છે. જોકે, પેપર લીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીને લઈને વિપક્ષના હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સતત ખોરવાઈ રહી.

આને કારણે, પેપર લીક સંબંધિત સુધારા બિલ રજૂ થયા હોવા છતાં, તેના પર ચર્ચા શરૂ થઈ શકી નહીં. એક અઠવાડિયાના મડાગાંઠ પછી, 27 જુલાઈએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સરકાર અને વિપક્ષી નેતાઓ વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ.

આ પછી, 28 જુલાઈએ બપોરે 2 વાગ્યાથી બિલ પર ચર્ચા થશે તેવી સહમતિ બની. પહેલા દિવસે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે સરકારનો પક્ષ રજૂ કર્યો. વિપક્ષ તરફથી ગૌરવ ગોગોઈ, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ ચર્ચામાં સામેલ થયા.