કાર્યવાહી@દેશ: ઉજ્જૈનમાં મસ્જિદ તોડવા વિરુદ્ધની અરજી કોર્ટે ફગાવી

ઇમામનો દાવો છે કે તે 600 વર્ષથી વધુ જૂની છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉજ્જૈનમાં શાહી મસ્જિદ મામલે દાખલ કરવામાં આવેલી અરજી મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઇન્દોર બેન્ચે કહ્યું છે કે રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલુ રહેશે. કોર્ટે મસ્જિદના એક ભાગને તોડવાની મંજૂરી આપતા આદેશ પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો છે.

આ પહેલાં આ જ મસ્જિદનો એક ભાગ તોડી પાડવામાં આવતાં સોમવારે ભારે હોબાળો થયો હતો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાબમાં લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડવામાં આવ્યો હતો. ભીડને હટાવતી વખતે મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી ઘાયલ થઈ ગયાં હતાં.

વિવાદ બાદ પોલીસબળ તહેનાત કરી દેવામાં આવ્યું હતું, પરંતુ બપોર થતાં ફરી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. પોલીસે ફરી લાઠીચાર્જ કરીને ટિયર ગેસ છોડ્યો હતો. હોબાળા વચ્ચે કાર્યવાહી ચાલુ રહી હતી. જોકે, નમાજના સમયે તેને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ મામલો શાંત થઈ ગયો હતો.

પોલીસે 15 લોકોને કસ્ટડીમાં લીધા છે. 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સમાવેશ થાય છે. તેમના પર વાતાવરણ બગાડવાનો આરોપ છે.

રસ્તાની હદમાં છે 15 ધાર્મિક સ્થળો, 12 હટાવાયા

સિંહસ્થ પ્રોજેક્ટ હેઠળ ઉજ્જૈનમાં કોયલા ફાટકથી ગોપાલ મંદિર સુધીના દોઢ કિલોમીટર વિસ્તારના રસ્તાને 15 મીટર પહોળો કરવામાં આવશે. આ માટે 323 મકાનો તોડવામાં આવશે. તેમાં 15 ધાર્મિક સ્થળો છે. અત્યાર સુધીમાં 12 ધાર્મિક સ્થળો હટાવી દેવામાં આવ્યા છે.

રસ્તાની હદમાં શાહી મસ્જિદનો પણ આશરે 9 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો ભાગ આવી રહ્યો છે. દસ્તાવેજમાં આ મસ્જિદ 100 વર્ષથી વધુ જૂની હોવાની પુષ્ટિ થાય છે. જોકે, ઇમામનો દાવો છે કે તે 600 વર્ષથી વધુ જૂની છે.