કાર્યવાહી@દેશ: દિલ્હી કોર્ટે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી. દિલ્હી કોર્ટે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે દિલ્હી પોલીસને UPSC પરીક્ષામાં છેતરપિંડી કરનારા અન્ય ઉમેદવારોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ UPSCના કોઈ કર્મચારીએ પૂજાને મદદ કરી હોય તો તેની પણ તપાસ થવી જોઈએ.
પૂજા ખેડકર પર તેની ઉંમર, તેના માતા-પિતા વિશે ખોટી માહિતી અને ઓળખ બદલીને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપવાનો આરોપ હતો. UPSCએ દસ્તાવેજોની તપાસ કર્યા પછી પૂજાને CSE-2022 નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવી હતી. આ પછી UPSCએ તેની વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી.
છેતરપિંડી અને બનાવટના આ કેસમાં ધરપકડથી બચવા માટે પૂજાએ દિલ્હી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. યુપીએસસીના વકીલે કહ્યું હતું કે તેણે સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે, કાયદા અને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે. તે સાધનસંપન્ન વ્યક્તિ છે અને તે કાયદાનો દુરુપયોગ કરે તેવી શક્યતા છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બુધવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
UPSCએ 31 જુલાઈ, બુધવારના રોજ પૂજાનું સિલેક્શન રદ કરી દીધું હતું. આ ઉપરાંત ભવિષ્યમાં યુપીએસસીની કોઇ પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પૂજાએ 2022ની પરીક્ષામાં 841મો રેન્ક મેળવ્યો હતો. તેણી 2023 બેચની તાલીમાર્થી IAS હતી અને જૂન 2024થી તાલીમ પર હતી.