કાર્યવાહી@દેશ: સુપ્રીમ કોર્ટે લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા, કેસ ત્રણ જજની બેન્ચને ટ્રાન્સફર કરાયો
CBI કેસમાં જેલમાં જ રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીના મુખ્યમંત્રીને સુપ્રીમકોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે લિકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું- અરવિંદ કેજરીવાલે 90 દિવસની જેલની સજા ભોગવી છે. અમે નિર્દેશ કરીએ છીએ કે કેજરીવાલ વચગાળાના જામીન પર મુક્ત થાય. અમે જાણીએ છીએ કે તેઓ ચૂંટાયેલા નેતા છે.
કેજરીવાલે તેમની ધરપકડ અને ત્યારબાદ તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલવા અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. 9 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી. આ નિર્ણય સામે કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ પછી 15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર ED પાસેથી જવાબ માગ્યો હતો.
હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી અને કહ્યું હતું કે તેમાં કંઈપણ ગેરકાયદેસર નથી કારણ કે અનેક સમન્સ મોકલવામાં આવ્યા બાદ પણ કેજરીવાલ પૂછપરછ માટે ઈડી ઓફિસમાં આવ્યા નથી. આ પછી ED પાસે તેમની ધરપકડ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
લિકર પોલિસી કેસમાં, EDએ મંગળવારે (9 જુલાઈ) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સાતમી પૂરક ચાર્જશીટ રજૂ કરી. 208 પાનાની આ ચાર્જશીટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કેસના માસ્ટરમાઈન્ડ અને કાવતરાખોર ગણાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે કૌભાંડમાંથી મળેલા પૈસા આમ આદમી પાર્ટી પર ખર્ચવામાં આવ્યા હતા.
EDએ ચાર્જશીટમાં કહ્યું કે કેજરીવાલે આ પૈસા 2022માં ગોવાની ચૂંટણીમાં AAPના ચૂંટણી પ્રચારમાં ખર્ચ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે કેજરીવાલે દારુ વેચવાના કોન્ટ્રાક્ટ માટે સાઉથ ગ્રુપના સભ્યો પાસેથી 100 કરોડ રૂપિયાની લાંચ માગી હતી, જેમાંથી 45 કરોડ રૂપિયા ગોવાની ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યા હતા.