કાર્યવાહી@દેશ: સંસદ ધક્કામુક્કી મામલો ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવ્યો

આ કેસમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 6 કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી.
 
કાર્યવાહી@દેશ: સંસદ ધક્કામુક્કી મામલો ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સંસદ ધક્કામુક્કી મામલો ક્રાઈમ બ્રાન્ચને સોપવામાં આવ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 6 કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે સવારે ઈન્ડિયા બ્લોક અને બીજેપી સાંસદો સંસદ પરિસરમાં મકર દ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષના સાંસદો સામસામે આવી ગયા હતા અને ધક્કામુક્કી થઈ હતી.

આમાં ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા. સારંગીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે એક સાંસદને ધક્કો માર્યો હતો, જે આવીને તેમના પર પડ્યા હતા.

જ્યારે સારંગી મીડિયા સામે આવી ત્યારે તેમના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. સારંગી ઉપરાંત ફરુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા છે. બંનેને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું હતું કે બંને નેતાઓને માથામાં ઈજા થઈ હતી. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. પ્રતાપ સારંગીને ખૂબ લોહી વહી રહ્યું હતું. તેમનો ઘા પણ ઊંડો હતો તેથી ટાંકા લેવાની જરૂર હતી.

આ ઘટના બાદ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજે રાહુલ વિરુદ્ધ BNSની 7 કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, ધમકાવવા અને ધક્કામુક્કી કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જો કે, પોલીસે કલમ 109 હટાવી અને માત્ર 6 કલમો હેઠળ એફઆઈઆર નોંધી. બીજી તરફ કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગે સામે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાવી હતી.