રાજકારણ@દેશ: જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના નિવેદન અંગે વિવાદ, શાહે કહ્યું- રાહુલ ભારત વિરોધી તાકાત સાથે

આસિફે કહ્યું હતું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની જેમ તેઓ પણ ઈચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી કલમ 370 લાગુ થાય.
 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના રાજકારણમાં અમુક બાબતોના કારણે વિવાદ જોવા મળતો હોય છે. ​​​​​જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના નિવેદન અંગે વિવાદ થયો છે. આસિફે કહ્યું હતું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની જેમ તેઓ પણ ઈચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી કલમ 370 લાગુ થાય.

ભાજપે ખ્વાજાના આ નિવેદનની ટીકા કરી હતી. જમ્મુ-કાશ્મીરના ભાજપના પ્રભારી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણે કહ્યું કે, પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા પાકિસ્તાનની ભાષા બોલે છે. તેઓ પાકિસ્તાનના ઈશારે નાચી રહ્યા છે. એનસી-કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની કઠપૂતળી બનીને કામ કરી રહ્યા છે.

ખરેખરમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને લડી રહ્યા છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જો ગઠબંધન સત્તામાં આવશે તો તેઓ કલમ 370 પાછી લાગુ કરશે.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝ પર વાતચીત કરી રહ્યા હતા. પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે ખ્વાજાને પૂછ્યું કે શું પાકિસ્તાન, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન જમ્મુ- કાશ્મીરમાં કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવા મામલે એકમત છે? ખ્વાજા આસિફે જવાબ આપ્યો, બિલકુલ, અમારી માગ પણ એ જ છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે જો જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો કલમ 370 પાછી લાગુ થઈ શકે છે. ખ્વાજાએ કહ્યું- મને લાગે છે કે તે શક્ય છે. હાલમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ત્યાં ઘણું મહત્વ છે. ઘાટીની વસ્તી આ મુદ્દે ખૂબ જ પ્રેરિત છે અને કોન્ફરન્સ સત્તામાં આવે તેવી સંભાવના છે. તેમણે તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા Xપર લખ્યું, ​​​કલમ 370 અને 35A અંગે કોંગ્રેસ અને JKNCને પાકિસ્તાનના રક્ષા મંત્રીના સમર્થનની વાતે ફરી એકવાર કોંગ્રેસને ઉઘાડી પાડી છે. આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડીને તમામ ભારત વિરોધી તાકાતો સાથે ઉભા રહ્યા છે.

શાહે વધુમાં લખ્યું કે, ભલે તે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટિપ્પણી કરવાની હોય, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના સુર હંમેશા એક જ રહ્યા છે. કોંગ્રેસનો હાથ હંમેશા દેશ વિરોધી તાકાતોની સાથે જ રહ્યો છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, અમારે પાકિસ્તાન સાથે શું લેવા-દેવા છે? અમે પાકિસ્તાનનો ભાગ પણ નથી. મને નથી લાગતું કે તેમણે અમારી ચૂંટણીમાં દખલ કરવી જોઈએ અથવા અમારી ચૂંટણીઓ પર ટિપ્પણી કરવી જોઈએ. તેમણે પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ.

બીજેપી નેતા અમિત માલવિયાએ X પર એક પોસ્ટમાં કહ્યું, "પાકિસ્તાન, જે એક આતંકવાદી દેશ છે, તે કાશ્મીર મામલે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ઈરાદાઓનું સમર્થન કરે છે. પન્નુથી લઈને પાકિસ્તાન સુધી રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ હંમેશા ભારતના હિતોના વિરોધીઓની પડખે જ દેખાય છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ભાજપ અને પીડીપીએ ગઠબંધન સરકાર બનાવી હતી. 2018માં ગઠબંધન તૂટ્યા પછી સરકાર પડી ગઈ. આ પછી, રાજ્યમાં 6 મહિના માટે રાજ્યપાલ શાસન હતું. આ પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.

2019ની લોકસભા ચૂંટણી રાષ્ટ્રપતિ શાસન દરમિયાન યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં પરત ફર્યું હતું. આ પછી, 5 ઓગસ્ટ, 2019 ના રોજ, ભાજપ સરકારે કલમ 370 નાબૂદ કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો માં વિભાજિત કર્યું. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. રાજ્યમાંથી કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે. ચૂંટણી બાદ નવી સરકારનો કાર્યકાળ 6 વર્ષની જગ્યાએ 5 વર્ષનો રહેશે.