ધાર્મિક@દેશ: આવતી કાલથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં, જોવા લોક ટોળે વળ્યાં રે, માડી તારા આવવાના એંધાણ થયાં... આવતીકાલ 11 ઓક્ટોબર 2026ને રવિવારથી નવદુર્ગાની આરાધનાનો પર્વ શરૂ થઈ રહ્યો છે. વિ.સં.2082ના આસો મહિનાની શુક્લ પક્ષની એકમ તિથિ 10 ઓક્ટોબર 2026ની રાથે 09:19થી શરૂ થશે અને 11 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 09:31 સુધી રહેશે. જોકે, ઉદિત તિથિ 11 ઓક્ટોબરે હોવાથી શારદીય નવરાત્રિનો પ્રારંભ રવિવારથી થશે.
આસો સુદ એકમના રોજ ચિત્રા નક્ષત્ર અને વૈધુતિ યોગ છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠિયાના જણાવ્યા મુજબ તંત્ર ગ્રંથ, ચંડી રહસ્ય, ચંડી તંત્ર, રુદ્ર યામલ તંત્ર, ભવાની તંત્ર અને દુર્ગા કલ્પતરું અનુસાર આ સમયે સ્થાપન ન કરી શકાય, તેમજ મત્સ્ય પુરાણ મુજબ રાત્રે પણ સ્થાપન ન કરવું જોઈએ, પરંતુ નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ પ્રથમ પ્રહર છોડીને સ્થાપન કરવું જોઈએ.
શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપના એટલે કે કુંભ સ્થાપન કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ, જપ, અનુષ્ઠાન અને દેવીની આરાધના કરે છે. નવરાત્રિ દરમિયાન મંત્ર જાપ, ચંડીપાઠ, ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક તથા અથર્વશીર્ષના પાઠ કરવાની પરંપરા છે. સાધનામાં સિદ્ધ કરેલું દુર્ગા વીસો યંત્ર સ્થાપિત કરી તેની ઉપાસના કરવાનું પણ ધાર્મિક મહત્ત્વ છે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલ મુજબ, આ વર્ષે રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી માતાજીના આગમનનું વાહન ગજ (હાથી) માનવામાં આવે છે. લોકપરંપરા મુજબ ગજવાહનનું આગમન સારા વરસાદ, કૃષિ માટે અનુકૂળતા અને સમૃદ્ધિના સંકેત તરીકે જોવામાં આવે છે.

