ધાર્મિક@ગુજરાત: ગણપતિના વિઘ્નેશ્વર સ્વરૂપની પૂજા કરવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થશે, મૂર્તિ સ્થાપના માટે કયું મુહૂર્ત અતિશુભ ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આવતીકાલે ગણેશ ચતુર્થી છે. ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. ભક્તોના દુ:ખ દૂર કરે છે. ભગવાન ગણેશની જન્મજયંતિને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે 07 સપ્ટેમ્બર, શનિવારથી ગણેશોત્સવની શરૂઆત થાય છે. ગણેશોત્સવ 10 દિવસ ચાલે છે. ચતુર્થીથી શરૂ થયેલો ગણેશોત્સવ અનંત ચૌદશે પૂર્ણ થાય છે. આ દિવસો દરમિયાન ગણપતિ બાપ્પાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે તો ગણેશજી પ્રસન્ન થાય છે. આપણા શાસ્ત્રોમાં ગણેશજીને જ્ઞાન અને સુખ- સમૃદ્ધિના દાતા માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશજીનો જન્મ બપોરે થયો હતો. તેથી, ભગવાન ગણેશની પૂજા માટે મધ્યાહનનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે ગણેશોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 10 દિવસ પછી 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીએ ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જાણો ગણેશ ચતુર્થીના દિવસે પૂજાનો શુભ સમય, પૂજા પદ્ધતિ અને ચંદ્રોદયનો સમય.
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 07 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે. તેથી ઉદય તિથિને ધ્યાનમાં રાખીને 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર, આ વખતે સંયોગવશ ગણેશ ચતુર્થી પર રવિયોગ,સિધ્ધિયોગ,સ્થિર યોગ બની રહ્યો છે.
ગણેશજીની ખાસ પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. પરંતુ પૂજા પછી આરતી ન થાય તો પૂજાનું ફળ અડધું જ રહી જાય છે. ભગવાન ગણેશની આરતી કરવાથી લગ્નજીવનમાં સુખ અને સૌભાગ્ય આવે છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે. આરતી કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. ત્યાં જ, આરતીમાં સામેલ થનાર લોકો ઉપર પણ ભગવાન ગણેશની કૃપા બની રહે છે.
પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કંકુ, અગર, કપૂર, ઘી અને ચંદનથી સાત કે પાંચ દીવેટ બનાવો. સાથે જ ઘંટ કે સંગીત વાદ્યો વગાડીને આરતી કરવાથી સમૃદ્ધિ વધે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગણપતિ ઉત્સવ સિવાય પણ દરેક મહિનાની ચોથે પણ ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. કેમ કે શ્રીગણેશ આ તિથિના સ્વામી છે. તેમની પૂજા કરવાથી આ ખાસ તિથિઓ અને તહેવાર સિવાય દર બુધવારે ગણેશજીની પૂજા અને આરતી કરવી જોઈએ. આવું કરવાથી ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે.
જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી તરફ હોય એને સિદ્ધિવિનાયક સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે ડાબી સૂંઢવાળા ગણેશ વિઘ્નવિનાશક માનવામાં આવે છે. સિદ્ધિવિનાયકને ઘરમાં સ્થાપિત કરવાની પરંપરા છે અને વિઘ્નવિનાશક ઘરની બહાર દ્વાર પર સ્થાપિત કરવામાં આવે છે, જેથી ઘરમાં કોઈ પ્રકારનું વિઘ્ન એટલે કે પરેશાનીઓનો પ્રવેશ થઈ શકે નહીં. ઓફિસમાં ડાબી તરફ સૂંઢવાળા અને ઘરમાં જમણી તરફ સૂંઢવાળા ગણપતિજીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચંદ્ર દર્શન વર્જિત છે. દંતકથા અનુસાર, આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી મિથ્યા દોષ કે કલંક લાગે છે. ભગવાન ગણેશે ચંદ્ર ભગવાનને શ્રાપ આપ્યો હતો કે જે કોઈ ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ચંદ્રને જોશે તેના પર મિથ્યા દોષ લાગશે. આ શ્રાપ ભગવાન શ્રીકૃષ્ણને પણ લાગ્યો હતો.