રિપોર્ટ@દેશ: જમ્મુ-શ્રીનગર હાઈવે પર બસની બ્રેક ફેલ થઇ, 10 શ્રદ્ધાળુઓ ઘાયલ

 10 શ્રદ્ધાળુઓ ઘાયલ
 
રિપોર્ટ@દેશ: જમ્મુ-શ્રીનગર હાઈવે પર બસની બ્રેક ફેલ થઇ, 10 શ્રદ્ધાળુઓ ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  જમ્મુ અને કાશ્મીરના બનિહાલ નજીક જમ્મુ-શ્રીનગર હાઈવે પર અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈને જતી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. મંગળવારે સવારે બનેલી આ ઘટનાને કારણે બસ ચાલકે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસમાં મુસાફરી કરી રહેલા 40 શ્રદ્ધાળુઓમાંથી કેટલાકે ચાલતી બસમાંથી છલાંગ લગાવી હતી.

બસને કાબૂ બહાર જતી જોઈને સ્થાનિક પોલીસ અને ભારતીય સૈન્યના જવાનોએ ચાલુ બસના ટાયરની આગળ મોટા પથ્થરો મૂકી દીધા, જેના કારણે બસ થંભી ગઈ. પોલીસે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ દર્શન કરીને પંજાબના હોશિયારપુર જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે જણાવ્યું કે નેશનલ હાઈવે પાસે એક નાળું હતું. જો સૈનિકો સમયસર બસને રોકવામાં સફળ ન થયા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. ઘાયલોમાં 6 પુરૂષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. જેમાં કેટલાકને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.