રિપોર્ટ@દેશ: સ્કૂલબસમાં અચાનક આગ લાગતા 25 વિદ્યાર્થીઓંનાં મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. થાઈલેન્ડમાં એક સ્કૂલબસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીનાં મોત થયાં છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, બસમાં કુલ 44 બાળક હાજર હતાં, જેમાંથી 16ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ બચાવકર્મીઓ બાકીનાં બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
જોકે ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. આ દુર્ઘટના બેંગકોકના ખુ ખોટ વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે થઈ હતી. બસ શાળાથી પરત ફરી રહી હતી. એમાં 5 શિક્ષક પણ હાજર રહ્યા હતા.
થાઈલેન્ડના વડાપ્રધાન પટોન્ગટાર્ન શિનાવાત્રાએ અકસ્માતમાં જીવ ગુમાવનારાં બાળકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દેશના ગૃહમંત્રી અનુતિન ચર્નવિરાકુલે કહ્યું હતું કે બચાવકર્મીઓ પહોંચ્યા પછી પણ બસ એટલી ગરમ હતી કે અંદર જવું ખૂબ મુશ્કેલ હતું, જેના કારણે અકસ્માત બાદ લાશ લાંબા સમય સુધી બસમાં જ પડી રહી હતી. મૃત્યુ પામેલા લોકોની હજુ ઓળખ થઈ નથી.