રિપોર્ટ@દેશ: પટનાની ટિની ટોટ એકેડમી સ્કૂલની ગટરમાંથી 4 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. પટનાની ટિની ટોટ એકેડમી સ્કૂલની ગટરમાંથી 4 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો હતો. બાળક આ જ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મૃતદેહ મળ્યા બાદ રોષે ભરાયેલા લોકોએ સ્કૂલ કેમ્પસમાં તોડફોડ કરી હતી અને સ્કૂલને આગ ચાંપી દીધી હતી. રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહને રસ્તા પર મુકી રાખ્યો હતો અને બાટાગંજ પેટ્રોલ પંપ પાસે દાનાપુર-ગાંધી મેદાન મુખ્ય માર્ગને જામ કરી દીધો હતો. રસ્તા પર આગચંપી પણ કરવામાં આવી છે. બાળકના મોતની જાણ થતાં રડી રડીને તેની માતાની હાલત ખરાબ થઈ ગઈ છે.
ઘણી મહેનત બાદ પોલીસે લોકોને સમજાવ્યા અને ભીડને સ્કૂલમાંથી હટાવવામાં આવી હતી. લગભગ 3-4 કલાકના બોહાળા બાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. ફાયર બ્રિગેડે સ્કૂલમાં લાગેલી આગને કાબુમાં લીધી છે. પોલીસે શાળા પ્રશાસન સાથે જોડાયેલા ત્રણ લોકોની પણ અટકાયત કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્કૂલના તમામ શિક્ષકો ફરાર છે.
બાળકની ઓળખ પોલસનના રહેવાસી શૈલેન્દ્ર રાયના પુત્ર આયુષ કુમાર તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ આયુષ એ જ સ્કૂલમાં ટ્યુશન ભણતો હતો. ગુરુવારે પણ તે રાબેતા મુજબ સ્કૂલે ગયો હતો, પરંતુ પાછો આવ્યો ન હતો.
ગુરુવારે સવારે 6.30 વાગ્યે આયુષ શાળાએ પહોંચ્યો હતો, પરંતુ સાંજે 5 વાગ્યા સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોએ બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. બાળકના કાકાએ જણાવ્યું કે પ્રિન્સિપાલે પહેલા તો આયુષ સ્કૂલે ન આવ્યો હોવાની વાત જણાવી હતી. બાદમાં તે સીસીટીવીમાં દેખાયો હતો. ફૂટેજ સાથે ચેડા કરવામાં આવ્યા છે. 10 મિનિટના ફૂટેજ ગુમ છે. બાળકની હત્યાની આશંકા સેવાઈ રહી છે.
સિટી એસપી ચંદ્ર પ્રકાશે કહ્યું કે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે બાળક સ્કૂલના પરિસરની અંદર જઈ રહ્યો હતો. પરંતુ, તે ત્યાંથી બહાર આવ્યો નહોતા. સ્કૂલના બે છોકરાઓએ આ વાતની કબૂલાત કરી હતી કે બાળકનો મૃતદેહ શાળાના ઓરડાના જ ગટરવાળી જગ્યાએ રાખવામાં આવ્યો હતો. પોલીસ ટીમે સ્કૂલની ગટરમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સ્કૂલના પરિસરમાં આગ લગાવવામાં આવી હતી. પહેલા માળે બે રૂમ ઘણું નુકસાન થયું છે. કોઈ જાનહાનિ થઈ નથી. શાળામાં ભારે હોબાળો અને આગચંપી બાદ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અત્યાર સુધીમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે.