રિપોર્ટ@કોલકાતા: આરજી કર મેડિકલ કોલેજના 50 સીનિયર ડોક્ટરોએ રાજીનામું આપ્યું
જુનિયર ડોક્ટરોની ભૂખ હડતાળના સમર્થનમાં ભર્યા પગલાં, આવતીકાલે દેશભરમાં ભૂખ હડતાળ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આરજી કર મેડિકલ કોલેજના 50 સીનિયર ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે. આમરણાંત ઉપવાસ કરી રહેલા જુનિયર ડોક્ટરોના સમર્થનમાં ડોક્ટરોએ રાજીનામા આપ્યા છે.
સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે મંગળવારે મેડિકલ કોલેજમાં અનેક વિભાગો અને તેમના વડાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજીનામું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક સીનિયર ડોક્ટરે કહ્યું, 'જુનિયર ડોકટરો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. અમે તેમની સાથે મજબૂતીથી ઊભા છીએ અને આ સંદેશ આપવા માટે રાજીનામું આપ્યું છે. કોલકાતા રેપ-હત્યા કેસના વિરોધમાં ડોક્ટરોએ કહ્યું કે જ્યાં સુધી અમારી તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું. અમે કોઈપણ દબાણ સામે ઝૂકવાના નથી.
કોલકાતામાં છ જુનિયર ડોક્ટરો 5 ઓક્ટોબરથી અચોક્કસ સમયની ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનએ જુનિયર ડોકટરોને સમર્થન જાહેર કર્યું છે. FAIMAએ એક બેઠક બાદ 9 ઓક્ટોબરથી દેશવ્યાપી ભૂખ હડતાળની જાહેરાત કરી છે.
જુનિયર ડોકટરો આરોગ્ય સચિવ એનએસ નિગમને હટાવવા અને આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર માટે જવાબદારી નક્કી કરવા સહિતની તેમની 9 માંગણીઓ પર મક્કમ છે. ડોક્ટરોએ કહ્યું કે તેઓ ભૂખ હડતાળની પારદર્શિતા જાળવવા માટે સ્ટેજ પર સીસીટીવી લગાવશે, જેથી બધા જોઈ શકે કે ત્યાં શું થઈ રહ્યું છે.
બીજી તરફ, સરકારે તમામ દેખાવકારોને કામ પર પાછા આવવાની અપીલ કરી છે. મુખ્ય સચિવ મનોજ પંતે કહ્યું કે 90 ટકા પ્રોજેક્ટ આવતા મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે દાવો કર્યો હતો કે સીસીટીવી લગાવવાનું 45%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. સરકાર પોતાના વચનો પૂરા કરી રહી છે.