રિપોર્ટ@દેશ: જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું જપ્ત કર્યું, 10 કરોડની રોકડ મળી

કાર પર RTO લખેલું છે અને પોલીસનો લોગો છે. આ કાર ચેતન નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે.
 
રિપોર્ટ@દેશ: જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું જપ્ત કર્યું, 10 કરોડની રોકડ મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જંગલમાં એક બિનવારસી કાર મળી આવી છે. મધ્યપ્રદેશમાં રિયલ એસ્ટેટના ધંધાર્થીઓ પર દરોડા વચ્ચે આવકવેરા વિભાગની ટીમે ભોપાલના મેંદોરી જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું જપ્ત કર્યું છે. એની કિંમત અંદાજે 40 કરોડ 47 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ટીમે કારમાંથી 10 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. આ સોનું અને રોકડ કોની છે એ હજુ સ્પષ્ટ થયું નથી.

આવકવેરાની ટીમ બિલ્ડરો અને ભૂતપૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સામેની કાર્યવાહી સાથે સોનું અને રોકડ જોડાયેલાં છે કે કેમ એ શોધી રહી છે. કાર પર RTO લખેલું છે અને પોલીસનો લોગો છે. આ કાર ચેતન નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે.

આવકવેરા વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, એવી માહિતી મળી હતી કે જંગલમાં એક કારમાં રોકડ છે, જેને ક્યાંક લઈ જવામાં આવી રહી છે. આ પછી ટીમ ગુરુવારે રાત્રે લગભગ 2 વાગે મેંદોરી પહોંચી. જંગલમાં ઈનોવા કાર પાસે 100 જેટલા પોલીસકર્મીઓ અને 30 વાહન પહેલેથી જ હતાં. કદાચ પોલીસને પણ આ અંગે માહિતી મળી હશે. ઈન્કમટેક્સ ટીમે કારની તલાશી લેતાં રોકડ સહિત સોનું મળી આવ્યું હતું.