રિપોર્ટ@મથુરા: 7 બસ અને 3 કાર અથડાઈ, અકસ્માતમાં 4 લોકો બળીને ભડથું, જાણો સમગ્ર દુર્ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારે મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પરથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 7 બસ અને 3 કાર અથડાઈ. ટક્કર થતાં જ વાહનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં 4 લોકો બળીને ભડથું થઈ ગયા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે 20 એમ્બ્યુલન્સ દ્વારા 150 લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
DM ચંદ્ર પ્રકાશ સિંહના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઇલસ્ટોન 127 પર થયો હતો. DM અને SSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કામગીરી ચાલુ છે. પોલીસ, ફાયર બ્રિગેડ, NHAI અને SDRFના લોકો આગ બુઝાવવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં લાગેલા છે.
પ્રત્યક્ષદર્શી ભગવાન દાસે જણાવ્યું કે જ્યારે વાહનો એકબીજા સાથે અથડાયા ત્યારે એવું લાગ્યું કે જાણે ગોળી ચાલી હોય. મોટા ધડાકા થયા. આખું ગામ તાત્કાલિક અહીં પહોંચી ગયું. બધા લોકોએ તાત્કાલિક મદદ કરી. એમ્બ્યુલન્સના કર્મચારી અમિત કુમારે જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે તેની ગણતરી હજુ કરી શકાતી નથી.
અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અકસ્માત પછી અમને આગનો ગોળો દેખાયો. લોકો બસોની બારીઓના કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતા. ચારેબાજુ ચીસાચીસ મચી ગઈ હતી. જ્યારે ભાસ્કરના રિપોર્ટર ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને બળીને ખાખ થઈ ગયેલી બસોમાં માનવ અંગો ફસાયેલા દેખાયા.

