રિપોર્ટ@રાજસ્થાન: શ્રીગંગાનગરમાં ટ્રેક્ટરની અડફેટે 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેક્ટરની અડફેટે 10 વર્ષના બાળકનું મોત થયું. બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. રમતાં રમતાં તે ટ્રેક્ટર પર ચઢી ગયું. ચાવી ટ્રેક્ટરમાં હતી અને બાળકે રમતમાં જ ટ્રેક્ટર ચાલુ કરી દીધું.
ટ્રેક્ટર સ્ટાર્ટ થતાંની સાથે જ બાળક નીચે પડી ગયું અને ટ્રેક્ટરની પાછળના તોતિંગ વ્હીલ નીચે આવી ગયું અને ટ્રેક્ટર તેને કચડીને પસાર થઈ ગયું. પદમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ 22માં આ અકસ્માત થયો હતો. રવિવારે થયેલી દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રાજેન્દ્રસિંહનો પુત્ર રહેમ પદમપુરના વોર્ડ 22નો રહેવાસી હતો. શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ તેના મામા દેશરાજ તેને મળવા તેના ઘરે આવ્યા હતા. દેશરાજે ઘરની બહાર ટ્રેક્ટર પાર્ક કર્યું અને ચાવી તેમાં જ રહેવા દીધી.
રહેમ ઘરની બહાર રમી રહ્યો હતો. થોડીવારમાં રહેમ ટ્રેક્ટર પર ચઢી ગયો. તેણે ચાવી ફેરવી અને ટ્રેક્ટર ચાલુ કરી દીધું. આ જોઈને બાળક ડરી ગયો. ટ્રેક્ટર ચાલુ કર્યા બાદ આંચકો લાગતા તે નીચે પડી ગયો અને ટ્રેક્ટર નીચે કચડાઈ ગયો હતો. અકસ્માત બાદ બાળકનો પરિવાર દોડી આવ્યો હતો અને તેને સંભાળ્યો હતો, પરંતુ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પદમપુરના એસએચઓ સુરેન્દ્રકુમારે કહ્યું- અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટ્રેક્ટર બાળકના પરિવારનું હતું, તેથી બાળકના પિતાએ કોઈ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. બાળકના પિતા રાજેન્દ્રસિંહ ઈલેક્ટ્રિશિયન છે.