રિપોર્ટ@દેશ: મુસાફરને ભોજનમાં પીરસવામાં આવેલી સેન્ડવીચમાં જીવતી ઈયળ જોવા મળી
ઈન્ડિગોએ તપાસનો આદેશ આપ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મોટી બેદરકારી સામે આવી છે. અહીં એક મુસાફરને ભોજનમાં પીરસવામાં આવેલી સેન્ડવીચમાં જીવતી ઈયળ જોવા મળી હતી . મુસાફરે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એરલાઈને આ મામલે માફી માંગી છે અને કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના શુક્રવારે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ 6E 6107માં બની હતી.
ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જર ખુશ્બુ ગુપ્તા નામની મહિલાને પીરસવામાં આવેલ સેન્ડવીચની બ્રેડમાં ઈયળ જોવા મળી રહી છે. આ મહિલાએ તેનો વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફ્લાઈટ દરમિયાન આપેલી સેન્ડવીચમાં ઈયળનો એક નાનો વીડિયો શેર કર્યો છે. જ્યારે આ વીડિયો અંગે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે એરલાઈન દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ 6E 6107માં બનેલી ઘટના અંગે ગ્રાહક દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાથી વાકેફ છે.
જ્યારે ખુશ્બુએ ફ્લાઈટ એટેન્ડન્ટને આ વિશે જણાવ્યું તો તેનું વલણ વધુ ચોંકાવનારું હતું. ખુશ્બુ ગુપ્તાની ફરિયાદ હોવા છતાં પણ ફ્લાઈટ એટેન્ડન્ટ બાળકો અને વૃદ્ધોને એ જ સેન્ડવિચ આપતા રહ્યા હતા, જેને જોઈને ખુશ્બૂ ચોંકી ગઈ હતી. તે પોતે ડાયેટિશિયન અને પબ્લિક હેલ્થ પ્રોફેશનલ છે, આ દ્રશ્ય તેમના માટે ખૂબ જ પરેશાન કરનારું હતું.
મહિલાએ વીડિયો બનાવી કર્યો શેર
જે બાદ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આનો એક વિડિયો શેર કર્યો છે અને એરલાઈન્સના ફૂડ ક્વોલિટી સાથે ચેડાં કરવામાં આવી રહી હોવા અંગે નિરાશા પણ વ્યક્ત કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સેન્ડવીચમાં જંતુ જોતા જ તેણે તરત જ ફ્લાઈટ એટેન્ડન્ટને તેની જાણકારી આપી.
ઈન્ડિગોએ તપાસનો આદેશ આપ્યો હતો
“તપાસ પછી, અમારી ટીમે તરત જ તે સેન્ડવિચ પીરસવાનું બંધ કરી દીધું,” પ્રવક્તાએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ બાબતની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને અમે યોગ્ય સુધારાત્મક પગલાં લેવા માટે અમારા રસોડાના સ્ટાફ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. પેસેન્જરને થયેલી કોઈપણ અસુવિધા માટે અમે દિલથી દિલગીર છીએ.