રિપોર્ટ@દેશ: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહિલાઓ, ખેડૂતો અને કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભાની ચૂંટણીના થોડા જ દિવસો બાકી રહ્યા છે. સરકાર દ્વારા લોકોને કેટલીક ભેટો આપવામાં આવું રહી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે મહિલાઓ, ખેડૂતો અને કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. એક તરફ, સરકારે તેના અંદાજે 1.5 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા પીએમ ઉજ્જવલા યોજનાનો સમયગાળો એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 2024-25 માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં રૂ. 85નો વધારો કરીને રૂ. 5,335 પ્રતિ ક્વિન્ટલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હેઠળ લગભગ 48 લાખ કર્મચારીઓ કામ કરે છે. આ સિવાય કેન્દ્ર સરકાર પાસેથી પેન્શન મેળવનારા પેન્શનરોની સંખ્યા લગભગ 68 લાખ છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા આ તમામની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થવાની ખાતરી છે.
સરકારના DAમાં 4 ટકાના વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારના 50 ટકા થઈ ગયું છે. એટલું જ નહીં, વધેલું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે, આવી સ્થિતિમાં તેમને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું એરિયર્સ પણ મળશે.
એટલું જ નહીં, મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કેન્દ્રીય કર્મચારીઓને તેમના મકાન ભાડા ભથ્થા અને ગ્રેચ્યુટીની મર્યાદામાં વધારાનો લાભ પણ મળશે. આનાથી લાંબા ગાળે તેમના નિવૃત્તિ લાભમાં વધારો થશે.
આ સાથે કેન્દ્રીય કેબિનેટે પીએમ ઉજ્જવલા યોજનાની અવધિ 31 માર્ચ 2025 સુધી લંબાવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા જ સરકારે PM ઉજ્જવલા યોજનાની અવધિ વધારવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને એક વર્ષમાં 12 સબસિડીવાળા LPG સિલિન્ડર મળે છે.
પીએમ ઉજ્જવલા યોજના હેઠળ, મહિલા લાભાર્થીઓને 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. આ રીતે, દિલ્હીમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીને એલપીજી સિલિન્ડરની કિંમત માત્ર 603 રૂપિયા છે.