રિપોર્ટ@બિહાર: જમીન વિવાદને લઈ આતંક મચાવ્યો, ગુંડાઓએ 80 ઘરને આગ ચાંપી, ગોળીબાર કર્યો

ગામમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 5 પોલીસ સ્ટેશનની પોલીસ તહેનાત કરવામાં આવી છે.
 
રિપોર્ટ@બિહાર: જમીન વિવાદને લઈ આતંક મચાવ્યો, ગુંડાઓએ 80 ઘરને આગ ચાંપી, ગોળીબાર કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. બિહારના નવાદામાં એક દલિત કોલોનીમાં ગુંડાઓએ 80 ઘરને આગ ચાંપી દીધી હતી. આરોપીઓએ ગોળીબાર પણ કર્યો હતો. લોકોને માર પણ મારવામાં આવ્યો હતો. આ પછી અહીં તણાવ છે. ગામમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 5 પોલીસ સ્ટેશનની પોલીસ તહેનાત કરવામાં આવી છે. 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનું કારણ જમીન વિવાદ હોવાનું કહેવાય છે.

મામલો નવાદા જિલ્લાના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના દાદૌરની કૃષ્ણનગર દલિત કોલોનીનો છે. અનેક પશુઓ પણ સળગી ગયાં હતાં. ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમતથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં ઘરમાં રાખેલો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ કાચાં ઘરો બનેલાં હતાં.

ઘટનાનું કારણ જમીન વિવાદ છે. દલિત પરિવારોની ગામમાં મોટી જમીન છે. આ જમીન બાબતે સામે પક્ષે તકરાર ચાલી રહી છે. એની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પીડિતોનાં પરિવારજનોનો આરોપ છે કે બુધવારની મોડી સાંજે ગુંડાઓએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. ઘરોમાં આગ લગાડવામાં આવી હતી અને ગોળીબાર કર્યો હતો.

ગ્રામજનોનો આરોપ છે કે 'બુધવારે સાંજે લગભગ 8 વાગ્યે પ્રાણ બિઘાના નંદુ પાસવાન સહિત સેંકડો લોકોએ મળીને ગામ પર હુમલો કર્યો હતો. આ સાથે તેમણે ગોળીઓ પણ વરસાવી હતી. આ દરમિયાન અનેક ગ્રામજનોને પણ માર મારવામાં આવ્યો હતો. આ પછી 80-85 ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી.

ગ્રામજનોએ કહ્યું, 'તેઓ આ જગ્યાએ ઘણાં વર્ષોથી રહેતા હતા. આ જમીન બિહાર સરકારની છે. જમીનમાફિયાઓ આના પર નજર રાખી રહ્યા હતા. કેટલાક દિવસોથી તે જમીન પણ વેચી રહ્યા હતા. અમે એનો વિરોધ કરતા હતા.

ડીએમએ કહ્યું, '10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રામજનોના નિવેદનના આધારે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમો તહેનાત છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટ અને મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે બિહાર સરકાર પર પ્રહારો કર્યા હતા. કહ્યું હતું કે નીતિશની સરકાર બેફિકર છે.