રિપોર્ટ@દેશ: તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદની પવિત્રતા અને શુદ્ધતા મામલે વિવાદ

ગુજરાતની લેબોરેટરીમાં પરીક્ષણ, પિગ ફેટ અને ફિશ ઓઈલની પણ પુષ્ટિ, રોજ 3.5 લાખ લાડુનો પ્રસાદ અપાય છે

 
 રિપોર્ટ@દેશ: તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્ધતા મામલે વિવાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર ખાવાની ચીજવસ્તુઓ મુદ્દે વિવાદ જોવા મળતો હોય છે. તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદની પવિત્રતા અને શુદ્ધતા મામલે વિવાદ વધી રહ્યો છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ફરી દાવો કર્યો છે કે ફેટી ઘી સિવાય તેમાં ગૌમાંસ, પિગ ફેટ અને ફિશ ઓઈલની પુષ્ટિ થઈ છે.

પ્રવક્તા અનમ વેંકટ રમના રેડ્ડીએ ગુરુવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં લેબ રિપોર્ટ જાહેર કર્યો. તેમણે માહિતી આપી હતી કે નમૂના 9 જુલાઈ, 2024ના રોજ ગુજરાતની લાઈવસ્ટોક લેબોરેટરી, NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) CALF લિમિટેડ (સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઈવસ્ટોક એન્ડ ફૂડ)ને મોકલવામાં આવ્યા હતા. 16 જુલાઈના રોજ લેબ રિપોર્ટ મળ્યો હતો.

ત્યારથી આ અહેવાલ પબ્લિક ડોમેનમાં છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રિપોર્ટમાં ન તો જારી કરનાર સંસ્થાનું નામ અને ન તો તે સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ મંદિર પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તિરુપતિ મંદિરના 300 વર્ષ જૂના રસોડામાં દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે.

આંધ્રના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે 18 સપ્ટેમ્બરના રોજ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની અગાઉની YSRCP સરકાર પર તિરૂપતિ પ્રસાદમાં પશુઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જગન મોહન સરકારે પ્રસાદની પવિત્રતા ખંડિત કરી છે.

ચંદ્રબાબુએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં YSRCP નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે. તિરુમાલાના પવિત્ર લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે હવે આપણે પ્રસાદમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરીએ છીએ. અમે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતાના રક્ષણ માટે સખત મહેનત કરી રહ્યા છીએ.

નાયડુએ કહ્યું કે જે કંપની પાસેથી ઘી મંગાવવામાં આવી રહ્યું હતું તેની સાથે કોન્ટ્રાક્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ કેસની તપાસ વિજીલન્સને સોંપવામાં આવી છે. કંપનીને એક વર્ષ પહેલા જ સપ્લાયનું ટેન્ડર મળ્યું હતું. તેમજ, કોંગ્રેસ નેતા અને જગન મોહનની બહેન શર્મિલાએ CBI તપાસની માંગ કરી છે.