રિપોર્ટ@દેશ: 3 રાજ્યોમાં હિમવર્ષા થઇ, 15 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે દેશમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમાચલના કુલ્લુ જિલ્લામાં રોહતાંગ પાસ અને અટલ ટનલ પાસે આજે હિમવર્ષા થઈ હતી.
આજે કુપવાડા, ગુલમર્ગ, જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા અને લદ્દાખના લેહમાં હિમવર્ષા થઈ હતી. સોમવારે પણ ત્રણેય રાજ્યોમાં હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે દેશના 8 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી પણ કરી છે. જેમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે.
ઉત્તરના રાજ્યોની સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ ઠંડી સતત વધી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને છત્તીસગઢના અંબિકાપુરમાં 7-7 સ્થળોએ સતત બીજા દિવસે તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું હતું.