રિપોર્ટ@દેશ: ભારતમાં રંગોળીને વિશેષ તહેવાર અને પૂજાના દિવસે બનાવવામાં આવે છે. જાણો તેનું મહત્વ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રંગો વિના કોઈ પણ જીવન કે તહેવાર શુષ્ક લાગશે. ભારતમાં રંગોળીને વિશેષ તહેવાર અને પૂજાના દિવસે બનાવવામાં આવે છે. જોકે દક્ષિણ ભારતમાં તો દરરોજ દરેક ઘરની બહાર રંગોળી કરવાનો રિવાજ છે, જોકે ભારતનાં બીજાં રાજ્યોમાં રોજ નહીં પણ દિવાળી સમયે ચોક્કસ રંગોળી થાય છે. મોટાભાગની રંગોળીને ઘરના આંગણામાં બનાવવામાં આવે છે. તો ઘણા લોકો ઉંબરા પર પણ રંગોળી બનાવતા હોય છે.
ઉંબરા પર પગલાંની રંગોળી બનાવાય છે જે ખાસ કરીને માતા લક્ષ્મીના સ્વાગત માટે હોય છે. જ્યારે કેટલાક લોકો તુલસીક્યારા ફરતે પણ રંગોળી કરતા હોય છે. હિંદુ સંસ્કૃતિમાં રંગોળીને કોઈ ઉત્સવ, વિવાહ પ્રસંગ, શૂભ મુહૂર્ત, પૂજા-પાઠ અને સદ્કાર્યો કરતી વખતે બનાવવામાં આવે છે. દિવાળીના દિવસે રંગોળીનું માહાત્મ્ય છે. આ દિવસે રંગોળીની અંદર કે ફરતે કોડિયાં પણ મૂકવામાં આવે છે.
દીવડાંના આછા પ્રકાશથી રંગોળી ખીલી ઊઠે છે. મોટાભાગની રંગોળી ફૂલ-છોડ આકારની તેમજ દેવી-દેવતાના આકારની તો કેટલાક લોકો સનાતન સંસ્કૃતિનાં પ્રતીક દર્શાવતી આકારમય રંગોળી બનાવતા હોય છે. હિંદુ સંસ્કૃતિમાં રંગોળી માત્ર કળા, ચિત્ર કે સજાવટની વસ્તુ નથી પણ તેનાથી દુષ્ટ આત્મા અને વાસ્તુદોષ જોજનો દૂર રહે છે.