રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ જાતે રોટલી બનાવી અને લોકોને જમાડ્યા
ભક્તોને પોતાના હાથે પીરસ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી કેટલાક પ્રવાસો કરતા હોય છે. પીએમ મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી પટના શહેરમાં આવેલા તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા. અહીં પીએમએ ગુરુદ્વારામાં દર્શનની સાથે સાથે અરદાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. PMએ પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું.
આ પછી પીએમ લંગરવાળા વિસ્તારમાં ગયા હતા. ત્યાં તેમણે ભોજન બનાવ્યું. વડાપ્રધાને રોટલી પણ વણી હતી. સાથે જ લંગરમાં બેઠેલા લોકોને મોદીએ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. પીએમએ માથા પર પાઘડી પહેરી હતી. તેઓ લગભગ 20 મિનિટ સુધી ગુરુદ્વારામાં રહ્યા. રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હાજર હતા. આ પહેલીવાર છે જ્યારે કોઈ પીએમ પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.
વડાપ્રધાન તખ્ત શ્રી હરમંદિર સાહિબના દરબારમાં પહોંચ્યા હતા. તેમણે દરબાર સાહિબમાં માથું ટેકવ્યું હતું અને ગુરુના આશીર્વાદ લીધા હતા. આ પહેલાં શીખ સમુદાયના લોકોએ દરબાર સાહિબ હોલમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને અંગ વસ્ત્ર શ્રી રૂપ સાથે પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુદ્વારામાં પીએમ મોદીએ પ્રસાદ ખાધો હતો.
વડાપ્રધાનના આગમનને લઈને પટના શહેરના દરેક ખૂણા પર પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. પીએમના કાર્યક્રમને લઈને શીખ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તખ્ત શ્રી હરવિંદર સાહિબ ગુરુદ્વારાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.
ગુરુદ્વારાની આસપાસના તમામ રસ્તાઓ અને ઘરોની યાદી બનાવવામાં આવી છે, જેના પર વહીવટીતંત્ર ખાસ નજર રહેશે. છેલ્લા બે દિવસથી આ મકાનો અને રસ્તાઓ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પહેલાં પીએમ મોદી પટનાના ઈકો પાર્ક પહોંચ્યા હતા. જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.