રીપોર્ટ@દેશ: એક TRB જવાનની કામગીરી શું હોય છે અને તેમની પાસે કેટલી સત્તા હોય,જાણો એકજ ક્લિકે
- TRB જવાનનું કાર્ય માત્ર ટ્રાફિક સંચાલનનું જ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
- તેઓ વાહનચાલક પાસેથી કોઈ દસ્તાવેજ માંગી શકે નહીં
- તેમની ગેર વર્તૂણકની ટ્રાફિક શાખામાં કરી શકાય છે ફરિયાદ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની રહી છે. શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. શહેરભરમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે TRB જવાનોને તૈનાત કરવામાં આવે છે. ત્યારે TRB જવાનો વાહન ચાલકોને અટકાવીને તેમની પાસે લાયસન્સ, વાહનોના ડોક્યુમેન્ટની માંગણી કરતા હોવાની ફરિયાદો ઉઠતા અમદાવાદના એક નાગરિકે RTI કરીને ટ્રાફિક અને TRB જવાનને લગતી કેટલીક માહિતીઓ માંગી હતી. જેનો જવાબ આપતા એ-ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અને જાહેર માહિતી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે TRB જવાન વાહનચાલક પાસેથી લાઈસન્સ-કાગળો માગી શકે નહીં
અમદાવાદના નાગરિકે કરી હતી RTI
અમદાવાદના એક નાગરિક દ્વારા 5 જાન્યુઆરી 2023ના રોજ એક જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 (આરટીઆઈ) હેઠળ અરજી કરીને ટ્રાફિક અને TRBની માહિતી માંગવામાં આવી હતી. જેના જવાબમાં જાહેર માહિતી અધિકારી અને એ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું છે કે, ટીઆરબીની કામગીરી ટ્રાફિક નિયમન કરવાની હોય છે તે કોઈ વાહન ચાલક પાસેથી લાયસન્સ કે વાહનના અન્ય કાગળો માંગી શકે નહીં. આ ઉપરાંત જાહેર માહિતી અધિકારીએ અરજદારે માંગેલ પોલીસ સ્ટેશનની માહિતીઓ અને આ વિસ્તારમાં ફરજ બજાવતા ટી.આર.બી જવાનની સંખ્યા પણ જાહેર કરી છે.
જાણો એક TRB જવાનની કામગીરી શું હોય છે અને તેમની પાસે કેટલી સત્તા હોય છે
TRB જવાન એટલે શું ?
TRBનો અર્થ છે ટ્રાફિક બ્રિગેડ. તેમની ઓળખ અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં 'ટ્રાફિક વોર્ડન' તરીકેની છે. TRB જવાનને પોલીસ ન કહી શકાય. ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થાય તેને TRB જવાન કહેવાય છે.
TRBના જવાન પાસે ખરેખર કઈ સત્તા હોય છે?
TRB જવાન પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તા હોતી નથી. તેમની મુખ્ય કામગીરી ટ્રાફિક નિયમનની જ છે. અન્ય કોઈ જ સત્તા તેમની પાસે નથી.
TRB જવાન વાહનચાલકને રોકી દસ્તાવેજ માગી શકે?
ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાં ચેકિંગ કે દસ્તાવેજ તપાસવાનું આવતું નથી. તેમનું કામ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે.
TRB જવાન મેમો બનાવી શકે?
તેમની પાસે એવી કોઈ સત્તા નથી. તેઓ વાહનચાલકને અટકાવી ન શકે તથા તેમની પાસેથી દસ્તાવેજ પણ ન માગી શકે. ચલણ આપવાની કે વાહનચાલકને અટકાવવાની કામગીરી ટ્રાફિક પોલીસની જ છે.
TRB જવાનની ગેર વર્તૂણકની ફરિયાદ ક્યાં કરી શકાય?
TRB જવાનની ફરિયાદ દરેક શહેરની ટ્રાફિક શાખામાં કરી શકાય છે. ટ્રાફિક DCP અને JCPને પણ ફરિયાદ કરી શકાય. આ ઉપરાંત, પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી શકાય.
TRB જવાનની ભરતી અને ડ્યૂટીની સમય મર્યાદા નક્કી હોય છે?
TRB જવાનની 8 કલાકની રોજની ડ્યૂટી હોય છે તથા તેઓ અમદાવાદમાં થયેલ ભરતી મુજબ 3 વર્ષ ફરજ બજાવી શકે છે. TRB જવાનને ચોક્કસ પગાર આપવામાં આવતો નથી. તેમને માનદ વેતન આપવામાં આવે છે જેમકે લગભગ 300 રૂપિયા પ્રતિ દિવસ.
વાહનના દસ્તાવેજ સાથે નથી તેવા સંજોગોમાં શું કરવું ?
વાહનોના દસ્તાવેજ હવે તમે તમારા મોબાઇલમાં જ સાચવી શકો છો. આ માટે Mparivahan એપ કે પછી digilocker એપમાં દસ્તાવેજ સાચવી શકાય.