રિપોર્ટ@દેશ: ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવ્યો
જુનિયર ફ્લાઇંગ ઓફિસરે FIR કરી, કહ્યું- બે વર્ષ શોષણ કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં બળાત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે. ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ મામલે FIR નોંધવામાં આવી છે. બંને અધિકારીઓ શ્રીનગરમાં જ તૈનાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરફોર્સે જણાવ્યું કે બડગામના પોલીસ સ્ટેશને અમારો સંપર્ક કર્યો. અમે આ કેસમાં અધિકારીઓને સહકાર આપી રહ્યા છીએ. અમે આ કેસથી વાકેફ છીએ.
NDTVના અહેવાલ મુજબ, FIRમાં મહિલા અધિકારીએ કહ્યું કે તે છેલ્લા બે વર્ષથી વિંગ કમાન્ડરના હાથે ઉત્પીડન, સેક્સ્યુઅલ અસોલ્ટ અને માનસિક ત્રાસનો સામનો કરી રહી છે. ઓફિસર મેસમાં યોજાયેલી ન્યૂ યર પાર્ટીમાં ગિફ્ટ આપવાના બહાને વિંગ કમાન્ડર તેને પોતાના રૂમમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે રેપ કર્યો.
મહિલા અધિકારીએ જણાવ્યું કે નવા વર્ષની પાર્ટીમાં વિંગ કમાન્ડરે તેને પૂછ્યું કે શું તેને ગિફ્ટ મળી છે. જ્યારે તેણે કહ્યું કે તેને હજી સુધી મળી નથી, ત્યારે વિંગ કમાન્ડરે કહ્યું કે ગિફ્ટ તેના રૂમમાં છે. આટલું કહી તે મહિલા અધિકારીને તેના રૂમમાં લઈ ગયો. જ્યારે મહિલા અધિકારીએ પૂછ્યું કે તેમનો પરિવાર ક્યાં છે, તો વિંગ કમાન્ડરે કહ્યું કે બધા ક્યાંક ગયા છે.
મહિલા અધિકારીએ કહ્યું- તેના રૂમમાં વિંગ કમાન્ડરે મને ઓરલ સેક્સ માટે દબાણ કર્યું અને મારી સાથે રેપ કર્યો. મેં વારંવાર તેને રોકવા માટે કહ્યું અને મારી જાતને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો. આખરે મેં તેને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ. વિંગ કમાન્ડરે મને કહ્યું કે તે શુક્રવારે મને મળશે, જ્યારે તેનો પરિવાર જતો રહેશે.
મહિલા અધિકારીએ કહ્યું કે મારી સાથે શું થયું તે સમજવામાં મને થોડો સમય લાગ્યો. હું ડરી ગઈ હતી અને શું કરવું તે ખબર ન હતી. કારણ કે આવા કેટલાક કિસ્સા અગાઉ પણ બન્યા હતા, મને ફરિયાદ નોંધાવતા અટકાવવામાં આવી હતી. આ ઘટના બાદ વિંગ કમાન્ડર મારી ઓફિસમાં આવ્યા હતા. તેણે એવું વર્તન કર્યું કે જાણે કશું બન્યું જ નથી. તેની આંખોમાં કોઈ અફસોસ ન હતો.
પીડિતાએ કહ્યું કે આ પછી મેં બે મહિલા અધિકારીઓને આ ઘટના વિશે જણાવ્યું. તેમણે મને ફરિયાદ દાખલ કરવામાં મદદ કરી. હું સમજાવી શકતી કે સેનામાં જોડાતી એક અપરિણીત છોકરી તરીકે મારી સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવ્યો તેનાથી હું કેટલી માનસિક રીતે પરેશાન હતી.
મહિલા અધિકારીએ કહ્યું કે આ ફરિયાદ બાદ કર્નલ રેન્કના અધિકારીએ આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં બે વાર વિંગ કમાન્ડર અને મને અમારા નિવેદનો નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા. મેં વાંધો ઉઠાવ્યો કે હું વિંગ કમાન્ડરની હાજરીમાં મારું નિવેદન નોંધીશ નહીં. આ પછી ભૂલ છુપાવવા માટે તપાસ જ અટકાવી દેવામાં આવી હતી.