રિપોર્ટ@નવીદિલ્હી: પટિયાલા હાઉસ કોર્ટેના આદેશથી આયશા જોરાવર અને પિતા શિખર ધવનની મુલાકાત કરાવશે

ત્રણ વર્ષ બાદ પિતા અને પુત્ર મળી શકશે

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા વચ્ચે તલાકનો કેસ ચાલુ છે . આ કેસ 2021થી ચાલી રહ્યો છે. જો કે ધવન-આયશા 2020થી જ અલગ રહે છે. ધવને ઑગસ્ટ-2020 બાદ પોતાના જ પુત્ર જોરાવર સાથે મુલાકાત કરી નથી પરંતુ હવે તે પુત્રને મળી શકશે. પટિયાલા હાઉસ કોર્ટે આયશાને કહ્યું છે કે તે પોતાના નવ વર્ષના બાળકને ધવન અને તેના પરિવાર સાથે મુલાકાત કરાવવા માટે ભારત લઈને આવે.

આયશા અત્યારે પુત્ર જોરાવર સાથે ઑસ્ટ્રેલિયામાં રહે છે. કોર્ટે બાળકની ધવનના પરિવાર સાથે મુલાકાત પર આયશાએ વ્યક્ત કરેલા વાંધા પર નારાજગી પણ વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે ઑગસ્ટ-2020 બાદથી શિખર ધવનનો પરિવાર બાળકને મળ્યો નથી. બાળક પર એકલો માતાનો હક હોતો નથી. જો શિખર ધવન હજુ સુધી સારો પિતા સાબિત થયો હોય તો પછી બાળકની પરિવાર સાથે મુલાકાત કરાવવા પર વાંધો શા માટે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ?
આમ પણ શિખર ધવન પુત્રની કાયમ માટે કસ્ટડી માંગી રહ્યો નથી. તે માત્ર પોતાના બાળકને જોવા અને મળીને મુલાકાત કરવા માંગે છે. કોર્ટે આયશા ધવનને નિર્દેશ આપ્યો છે કે તે ધવન પરિવાર સાથે મુલાકાત કરાવવા માટે બાળકને પોતાની સાથે ભારત લાવે અથવા કોઈ વિશ્ર્વાસું માણસ દ્વારા જોરાવરને ભારત મોકલે.કોર્ટે કહ્યું છે કે 28 જૂને 10 વાગ્યે બાળકની કસ્ટડી દિલ્હીમાં ધવન પરિવારને સોંપવામાં આવે. જો આયશા માટે કોઈ કારણથી આ શક્ય નથી બનતું તો તે આ આદેશના 72 કલાકની અંદર અસમર્થતા જાહેર કરી શકે છે. આ સ્થિતિમાં શિખર ધવન ઑસ્ટ્રેલિયાથી બાળકને લઈને આવશે અને આયશાએ બાળકની ભારત યાત્રા માટે વિઝા સહિતનું જરૂરી ક્લિયરન્સ મેળવવાની જવાબદારી ઉઠાવવી પડશે. એકંદરે બાળક 27 જૂને ભારત આવી જાય અને 4 જૂલાઈએ પરત ઑસ્ટ્રેલિયા ફરી જાય. આ યાત્રાનો તમામ ખર્ચ શિખર ધવન ઉઠાવશે.