રિપોર્ટ@દેશ: મલયાલમ અભિનેતા શ્રીનાથ ભાસીની પોલીસે એક્સીડેન્ટ કેસમાં ધરપકડ કરી
શ્રીનાથ ભાસીને જામીન પર છોડવામાં આવ્યો; ડ્રગ્સ કેસમાં પણ નામ સામે આવી ચૂક્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. મલયાલમ અભિનેતા શ્રીનાથ ભાસીની પોલીસે એક રોડ એક્સીડેન્ટ કેસમાં ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કથિત રીતે એક બાઇક સાથે અથડાઈ હતી. એર્નાકુલમ સેન્ટ્રલ પોલીસે જણાવ્યું હતું કે ગયા મહિને બનેલી ઘટના બાદ તેઓએ અભિનેતા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારની ટક્કરથી પીડિતાને પણ ઈજા થઈ હતી. વિગતો આપ્યા વિના, એક પોલીસ અધિકારીએ કહ્યું કે શ્રીનાથની સોમવારે સાક્ષીના નિવેદનના આધારે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. હિટ એન્ડ રન કેસના કારણે શ્રીનાથના ડ્રાઇવિંગ લાયસન્સ પર એક મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે શ્રીનાથનું નામ કાયદાકીય મામલામાં સામે આવ્યું હોય. આ પહેલા કેરળ પોલીસે કુખ્યાત ગેંગસ્ટર ઓમ પ્રકાશ સાથે જોડાયેલા નાર્કોટીક્સ કેસમાં શ્રીનાથની પણ પૂછપરછ કરી હતી. જો કે, પૂરતા પુરાવાના અભાવે તેમની સામે કોઈ કેસ કરવામાં આવ્યો ન હતો. દરમિયાન, પ્રકાશ અને તેના સહયોગીઓની કોચીમાં ડીજે પાર્ટીઓમાં કોકેઈન આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
શ્રીનાથના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેને તાજેતરમાં 'મંજુમ્મેલ બોયઝ'માં તેની ભૂમિકા માટે ઘણી લોકપ્રિયતા મળી છે. તે એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. 200 કરોડથી વધુની કમાણી સાથે તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ બની છે.