રિપોર્ટ@દેશ: પૂર્વ CM અરવિંદ કેજરીવાલ જાહેર સભા 'જનતા કી અદાલત' યોજશે.
ભાજપે 6 પ્રશ્નોના જવાબ માગ્યા; કહ્યું- 10 વર્ષમાં નવી હોસ્પિટલ અને કોલેજ કેમ ન બની?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરવિંદ કેજરીવાલે CM પદ પરથી રાજીનામું આપી દિધું છે. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના છત્રશાલ સ્ટેડિયમમાં જાહેર સભા 'જનતા કી અદાલત' યોજશે. આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહે શુક્રવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે કેજરીવાલ અને અન્ય નેતાઓ સવારે 11 વાગ્યે જનતા જન અદાલતમાં કાર્યક્રમને સંબોધિત કરશે.
ભાજપે કહ્યું છે કે કેજરીવાલ AAP કાર્યકર્તાઓને ભાષણ આપવા અને 'જનતાની અદાલત' હોવાનો ઢોંગ કરવાને બદલે જનતાના પ્રશ્નોના જવાબ આપે તો સારું રહેશે. દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કેજરીવાલ પાસેથી છ સવાલોના જવાબ માગ્યા છે.
કેજરીવાલે 22 સપ્ટેમ્બરે જંતર-મંતર ખાતે પહેલી 'જનતા કી અદાલત'ની જાહેરસભા કરી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં 13 સપ્ટેમ્બરે જામીન પર બહાર આવ્યા બાદ તેમણે 17 સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 21 સપ્ટેમ્બરે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા.
કેજરીવાલે 22 સપ્ટેમ્બરે 'જનતા કી અદાલત'માં મોહન ભાગવતને 5 પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે કહ્યું, 'જ્યારે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્રા જેવા નેતાઓ 75 વર્ષમાં નિવૃત્ત થઈ ગયા હતા, તો પછી આ નિયમો મોદી પર કેમ લાગુ નથી થતા. અમિત શાહ કહી રહ્યા છે કે આ મોદીને લાગુ નહીં પડે. ભાગવત જી કૃપા કરીને જવાબ આપો.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 ઓક્ટોબરે ફ્લેગ સ્ટાફ રોડ પર સ્થિત મુખ્યમંત્રી આવાસ ખાલી કર્યું હતું. તેઓ લ્યુટિયન્સ દિલ્હીના ફિરોઝશાહ રોડ પરના બંગલા નંબર 5માં શિફ્ટ થયા હતા. આ બંગલો AAPના પંજાબના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને આપવામાં આવ્યો છે.
કેજરીવાલ તેમની પત્ની સુનીતા કેજરીવાલ, માતા-પિતા અને બંને બાળકો સાથે શિફ્ટ થયા હતા. અશોક મિત્તલ અને તેમની પત્નીએ બધાને તેમના ઘરમાં આવકાર્યા. મિત્તલે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે કેજરીવાલ મારા ઘરે મહેમાન બનીને શિફ્ટ થયા છે.
કેજરીવાલે જ્યારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું ત્યારે તેમણે તમામ સરકારી સુવિધાઓ છોડવાની જાહેરાત કરી હતી. AAPએ કહ્યું હતું કે કેજરીવાલ નવા ઘરની શોધમાં છે. તેઓ એવી જગ્યા શોધી રહ્યા છે જ્યાં રહેવામાં કોઈ વિવાદ ન હોય. AAP એ આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય પાર્ટીના વડા તરીકે કેજરીવાલને આવાસ આપવા માટે કેન્દ્ર સરકાર પાસે માગ કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.