રિપોર્ટ@દેશ: ગીરના જંગલમાં મુશળધાર વરસાદ વરસ્યો, નવા નીરની આવક

મુશળધાર વરસાદ વરસ્યો
 
વરસાદ 5

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં કેટલીક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે.  ગીર જંગલમાં મેઘરાજા મુશળધાર વરસી પડતા ગીર સોમનાથ જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર નવા નીરની આવક નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં હિરણ 1માં 9.5 ફૂટ, હિરણ - 2માં 10 ફૂટ તો શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ અવિરત વ્હાલ વરસાવ્યું હોય તેમ સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે.

ગીર જંગલમાં અનરાધાર વરસેલા વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં ગીર જંગલ મધ્યે આવેલ હિરણ - 1 કમલેશ્વર ડેમ માં 9.5 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. આવી જ રીતે જિલ્લાનો સૌથી મોટો જળાશય અને વેરાવળ નગરપાલિકા તેમજ 42 ગામ જૂથ યોજના મારફતે લાખો નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડતા હિરણ - 2 ઉમરેઠી ડેમમાં છેલ્લા 24 કલાક માં 10 ફૂટ નવા નીર આવતા ડેમમાં 6.50 ફૂટ પાણીનો જીવંત જથ્થો નોંધાયો છે. આ ઉપરાંત કોડીનાર ના શિંગોડા ડેમ ના પણ 13 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે.

ગીર જંગલમાં તેમજ ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે જિલ્લાના જળાશયોમાં થયેલ નોંધપાત્ર નવા નીરની આવકના પગલે સિંચાઈ અને પીવાના પાણીની રાહત સર્જાતા ખુશીનો માહોલ સર્જાયો છે.