રિપોર્ટ@દેશ: ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોમાં સરકારે કૃષિ ક્ષેત્રમાં યાંત્રિકીકરણ માટે અંદાજે રૂ. 6,500 કરોડની ફાળવણી કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોમાં સરકારે 2014-15થી કૃષિ ક્ષેત્રમાં યાંત્રિકીકરણ માટે અંદાજે રૂ. 6,500 કરોડની ફાળવણી કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રએ ખેડૂતોને સબસિડી પર 15 લાખથી વધુ મશીનો અને સાધનો પણ આપવાનું નક્કી કર્યું છે.
અધિકારીએ જણાવ્યું કે, વર્ષ 2014-15 થી ડિસેમ્બર 2023 દરમિયાન કૃષિ યાંત્રિકરણ માટે રૂ.
6,405.55 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને કુલ 15,23,650 મશીનો અને સાધનો સબસિડી પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 23,018 કસ્ટમ હાયરિંગ સેન્ટરો, 475 હાઈ-ટેક હબ અને 20,461 ફાર્મ મશીનરી બેંકો ખેડૂતોને ભાડેથી કૃષિ મશીનો અને સાધનો પ્રદાન કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે.
અધિકારીએ કહ્યું કે સરકાર એગ્રી સેક્ટરમાં મોટા પાયા પર ડ્રોન ટેક્નોલોજીને પણ પ્રોત્સાહન આપી રહી છે. કૃષિમાં ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) જારી કરવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીને ખેડૂતો અને ક્ષેત્રના અન્ય પક્ષો માટે પોષણક્ષમ બનાવવા માટે, ખેડૂતોના ખેતરોમાં તેના પ્રદર્શન માટે આકસ્મિક ખર્ચની સાથે ડ્રોનની કિંમતના 100% પર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ડ્રોનને પ્રોત્સાહન આપવા માટે અત્યાર સુધીમાં 141.41 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે. વધુમાં, સરકારે તાજેતરમાં 2024-25 થી 2025-26 ના સમયગાળા માટે 1,261 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને ડ્રોન પ્રદાન કરવાની યોજનાને મંજૂરી આપી છે.
ડ્રોનની ખરીદી માટે મહિલા SHGsને ડ્રોનની કિંમતના 80% સુધીની કેન્દ્રીય નાણાકીય સહાય અને વધુમાં વધુ રૂ. 8 લાખ સુધીની એસેસરીઝઆપવામાં આવશે.
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે મધ્યમ-લાંબા ગાળાના ઋણ ધિરાણની સુવિધાને એકત્ર કરવા માટે વર્ષ 2020માં રૂ. 1 લાખ કરોડનું એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. આ ધિરાણ સુવિધા હેઠળ રૂ. 2 કરોડની મર્યાદા સુધીની તમામ લોન પર વાર્ષિક 3% વ્યાજ પર છૂટ છે.
AIF હેઠળ અત્યાર સુધીમાં 51,694 પ્રોજેક્ટ માટે રૂ. 37,099 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમાંથી કુલ રૂ. 27,782 કરોડની મંજૂર રકમ યોજનાના લાભો હેઠળ આવરી લેવામાં આવી છે. આ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સે કૃષિ ક્ષેત્રમાં રૂ. 62,653 કરોડનું રોકાણ કર્યું છે.
અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે પાકની ઉત્પાદકતા વધારવા માટે જમીનના સ્વાસ્થ્યને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને તેમની જમીનમાં પોષક તત્ત્વોની સ્થિતિ વિશેની માહિતી તેમજ જમીનની તંદુરસ્તી અને તેની ઉત્પાદકતા સુધારવા માટે લાગુ કરવા માટેના પોષક તત્ત્વોની યોગ્ય માત્રા અંગેની ભલામણો પ્રદાન કરે છે.