રિપોર્ટ@આસામ: ગેંગ રેપનાં મુખ્ય આરોપીનું તળાવમાં ડૂબી જવાથી મોત
કસ્ટડીમાંથી ભાગીને તળાવમાં કૂદ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. આસામના નાગાંવ જિલ્લામાં 14 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કારના મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામનું શનિવારે (24 ઓગસ્ટ)ના રોજ ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પોલીસ કબજામાંથી છટકીને તેણે તળાવમાં ઝંપલાવ્યું હતું.
નાગાંવના પોલીસ અધિક્ષક (SP) સ્વપ્નિલ ડેકાએ જણાવ્યું હતું કે આરોપીની શુક્રવારે (23 ઓગસ્ટ) ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે 3:30 વાગ્યે, તેને ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે લઇ જવામાં આવી રહ્યો હતો.
એસપીના જણાવ્યા અનુસાર, તેણે બચવાનો પ્રયાસ કર્યો અને તળાવમાં કૂદી ગયો. પોલીસે તરત જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ બે કલાકની શોધખોળ બાદ આરોપીની લાશ તળાવમાંથી મળી આવી હતી.
ગુરુવારે સાંજે નાગાંવના ધિંગમાં 14 વર્ષની બાળકી પર ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા તેની સાયકલ પર ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન એક મોટરસાઇકલ પર સવાર ત્રણ લોકોએ તેને ઘેરી લીધી હતી અને તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.
બળાત્કાર બાદ આરોપી પીડિતાને ઘાયલ અને બેભાન હાલતમાં તળાવ પાસે રોડ કિનારે મૂકીને ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ તેને જોઈ અને હોસ્પિટલમાં દાખલ કરી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી એકનું મોત થયું છે. ત્રીજાની શોધ ચાલુ છે. આ ઘટના બાદ સમગ્ર આસામમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અનેક સંગઠનોએ શુક્રવારે (23 ઓગસ્ટ)ના રોજ ધીંગમાં એક દિવસીય બંધનું એલાન આપ્યું હતું.
જ્યારે પોલીસ ડીજીપી જીપી સિંહ ધિંગ પહોંચ્યા ત્યારે વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો. આરોપીઓની ધરપકડની માગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોએ ગુનેગારો સામે કડક કાર્યવાહી અને મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાની માંગ કરી હતી.