રીપોર્ટ@મુંબઈ: બાબા સિદ્દીકી હત્યા-આરોપીનો બોન ટેસ્ટ, જાણો વધુ વિગતે
સગીર હોવાનો દાવો ફગાવાયો; સાબરમતી જેલમાં બંધ લોરેન્સની પૂછપરછ માટે તપાસ એજન્સી આવી શકે છે અમદાવાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. તેમના પર ગોળીબાર કરનારા 4 હુમલાખોરોમાંથી 2 યુપી, 1 હરિયાણા અને 1 પંજાબનો છે. બાબા સિદ્દીકીને ગોળી મારનારા શૂટરોમાંથી પકડાયેલા બંને શૂટરોએ દાવો કર્યો છે કે, તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે, ત્યાર બાદ હવે તપાસ એજન્સી લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.
તપાસ એજન્સીઓ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી શકે છે. આ માટે કાનૂની સલાહ લેવામાં આવી રહી છે, કારણ કે પૂછપરછ માટે કોર્ટની મંજૂરી જરૂરી છે. આરોપીએ દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલો છે. તપાસ એજન્સીઓ પૂછપરછ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરશે કે બાબા સિદ્દીકીના મૃત્યુનું કારણ સલમાન ખાન સાથેની નિકટતા છે કે અન્ય કોઈ કારણ છે.
હરિયાણાના ગુરમેલ અને યુપીના ધર્મરાજની ઘટના સ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી. યુપીના અન્ય આરોપી શિવા અને પંજાબના જીશાનની શોધ ચાલી રહી છે. મુંબઈ કોર્ટે ગુરમેલને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. ધર્મરાજે પોતાને સગીર જાહેર કર્યો હતો. મેજિસ્ટ્રેટની સામે તેનો બોર્ન ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવાનું બહાર આવ્યું છે.
બાબા સિદ્દીકીને 13 ઓક્ટોબરે રાત્રે 10.30 વાગ્યે મુંબઈના મરીન લાઈન્સ સ્ટેશનની સામે બડા કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમને રાજ્ય સન્માન પણ આપવામાં આવ્યું હતું.