રિપોર્ટ@દેશ: પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યું, 5 પ્રવાસીઓ તણાયા, એક મહિલાનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. લાંબા સમય વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ (IMD)એ શનિવારે 14 રાજ્યોમાં ભારે વરસાદ અને 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ વહી જતાં તંત્રની ચિંતા વધી ગઈ હતી. માતાના દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. શનિવારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતાં.