રિપોર્ટ@દેશ: 'દાંડિયા-ક્વીન'ના ગરબા પર નીતા અંબાણી ઝૂમી ઊઠ્યાં, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 'રેડિયન્સ દાંડિયા'માં સિંગર ફાલ્ગુની પાઠક સાથે ભવ્યતાપૂર્વક દશેરા અને નવરાત્રિની ઉજવણી કરી. 'દાંડિયા-ક્વીન' ફાલ્ગુની પાઠક સાથેની તેમની ઉપસ્થિતિથી આ ઉત્સવ ખરેખર યાદગાર બની ગયો.
નીતા અંબાણીએ આ પ્રસંગે મા દુર્ગાની પૂજા-અર્ચના કરી અને ત્યાર બાદ ફાલ્ગુની પાઠકના સુપ્રસિદ્ધ ગરબાના રંગમાં રંગાઈ ગયાં. તેમણે કહ્યું, "જ્યારે હું નાની હતી ત્યારે નવરાત્રિની નવે રાત ગરબા કરતી હતી. મારી યુવાનીની ઘણી સુંદર યાદો તાજી થઈ જાય છે. હું ફાલ્ગુનીને 25 વર્ષથી ઓળખું છું."
નીતા અંબાણીએ પોતાની બાળપણની યાદોને વાગોળતાં કહ્યું હતું કે આ તહેવાર હંમેશાં તેમના માટે ભક્તિ અને સાથે મળીને ઉજવણીનું પ્રતીક રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નવરાત્રિ ન માત્ર પૂજાનો સમય છે, પરંતુ લોકોને જોડવાનો અને સમાજમાં એકતાનો સંદેશ આપવાનો પણ અવસર છે. આ ગરબા નાઇટમાં ફાલ્ગુની પાઠકે પોતાનાં પ્રખ્યાત ગીતોથી માહોલને ઉત્સવમય બનાવી દીધો, જ્યારે નીતા અંબાણી પોતે તેમના સૂર પર ગરબા કરવા લાગ્યા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહની ઊર્જાથી ભરાઈ ગયું.
આ પ્રસંગનો એક વીડિયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે નીતા અંબાણીએ 'દાંડિયા-ક્વીન' ફાલ્ગુની પાઠક સાથે રેડિયન્સ દાંડિયામાં નવરાત્રિની ઉજવણી કરી. પ્રાર્થનાથી લઈને ગરબાના આનંદમાં સામેલ થવા સુધી, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આ ખરેખર ઉત્સવ અને ભક્તિની રાત હતી.