રિપોર્ટ@દેશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયનાડ ભૂસ્ખલન પીડિતોને મળ્યા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી વાયનાડ પહોચી ગયા છે. ત્યાં વડાપ્રધાન પીડિતોને મળવા માટે ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પર છે. તેઓ સવારે 11 વાગે ખાસ ફ્લાઇટ દ્વારા કન્નુર એરપોર્ટ પહોંચ્યા હતા. કન્નુરથી મોદી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ગયા હતા. તેમણે રસ્તામાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. મોદીએ 30 જુલાઈની રાત્રે તે જગ્યા જોઈ જ્યાંથી વિનાશ શરૂ થયો હતો. ઇરુવાઝિંજી પુઝા નદી પણ આ સ્થાનથી શરૂ થાય છે.
વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર વાયનાડના કાલપેટ્ટામાં લેન્ડ થયું હતું. તેઓ સૌપ્રથમ G.V.H.S. સ્કૂલ વેલ્લારમાના ગયા હતા. આ સ્કૂલમાં 582 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 27 ભૂસ્ખલન બાદ ગુમ છે. વડાપ્રધાને સ્કૂલમાં 15 મિનિટ વિતાવી. તેમણે સીએમ વિજયન અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીને પૂછ્યું કે કેટલા બાળકોએ તેમના પરિવારને ગુમાવ્યા છે. કાલપેટ્ટાથી મોદી રોડ માર્ગે ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા અને બચાવ કામગીરીની માહિતી લીધી હતી. તેઓ રાહત શિબિરો અને હોસ્પિટલોમાં પીડિતોને મળ્યા હતા. પીએમ મોદીએ ચુરલમાલા ખાતે 190 ફૂટ લાંબા બેલી બ્રિજની પણ મુલાકાત લીધી, જેને ભારતીય સેનાએ બચાવ કામગીરી દરમિયાન બનાવ્યો હતો.
પીડિતોને મળ્યા બાદ વડાપ્રધાન મોદી સીએમ પિનરાઈ અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. બેઠકમાં તેમને દુર્ઘટના અને બચાવ કામગીરી અંગે માહિતી આપવામાં આવશે. પીએમની સાથે વાયનાડ ગયેલા કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ આ બેઠકમાં હાજરી આપશે. મોદી સાંજે કન્નુર પરત ફરશે અને પછી દિલ્હી જશે. શુક્રવારે (9 ઓગસ્ટ), વડાપ્રધાનની વાયનાડની મુલાકાતના એક દિવસ પહેલા, કેરળ સરકારે પુનર્વસન અને રાહત કાર્ય માટે કેન્દ્ર પાસેથી રૂ. 2,000 કરોડની નાણાકીય સહાયની માંગ કરી હતી.
વાયનાડમાં, મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોમાં 29 જુલાઈના રોજ સવારે 2 વાગ્યાથી 30 જુલાઈના રોજ સવારે 4 વાગ્યાની વચ્ચે ભૂસ્ખલન થયું હતું. આમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થયા છે. 138થી વધુ લોકો હજુ પણ ગુમ છે. 9 દિવસ સુધી બચાવ કામગીરી હાથ ધર્યા બાદ સેના 8 ઓગસ્ટના રોજ વાયનાડથી પરત આવી. હાલમાં NDRF રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યું છે.
વિપક્ષના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડની મુલાકાત બદલ મોદીનો આભાર માન્યો છે. તેમણે X પર લખ્યું- PM મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે. મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલા વિનાશને જોશે ત્યારે એને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે.