રિપોર્ટ@દેશ: રાજભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકથી રાજકારણમાં ગરમાવો
કામગીરીની સમીક્ષા કરી મંત્રીઓના ક્લાસ લઈ શકે, મંત્રીમંડળના વિસ્તરણ અને IPSની બદલીનો તખ્તો ગોઠવાય તેવી સંભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સાંજે વડાપ્રધાન ગુજરાત આવશે અને 17 તારીખે ગુજરાતથી રવાના થશે. જો કે, 41 કલાકની ગુજરાતની આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટના ખાતમુહુર્ત અને લોકાર્પણ તો કરશે જ, પરંતુ સૌથી વધારે નજર રાજભવનમાં યોજાનારી બેઠકો પર રહી છે. સૌ કોઈની નજર છે કે આખરે આ બેઠકમાં એવું તો શું થશે કે જે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે.
પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા બાદ વડસર ખાતેથી રાજ ભવન જવા રવાના થશે. રાજ ભવન પહોંચ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે. 16 સપ્ટેમ્બરના રોજ સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠક યોજાઈ રહી છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં મંદિરના વિકાસલક્ષી કાર્યોની ચર્ચા હાથ ધરવામાં આવશે.
પ્રધાનમંત્રી ગુજરાતમાં 15 સપ્ટેમ્બરની સાંજના સમયે આવનાર છે. 15 તારીખે સાંજે વડસર ખાતે એરફોર્સના ઓપરેશન કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યા બાદ અંદાજે સાંજે 6 વાગ્યા આસપાસ રાજભવન ખાતે પહોંચશે. રાજભવન ખાતે પ્રધાનમંત્રી રાત્રી રોકાણ કરવાના છે. જોકે, સાંજે 6 વાગ્યાથી રાત્રી દરમિયાન અનેક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક રાજકીય પણ હોઈ શકે છે, તેમજ વહીવટીય બાબતોને લઈને પણ યોજવામાં આવી હોઈ શકે છે.
પ્રધાનમંત્રી ગુજરાતના છે, ત્યારે સ્વાભાવિક છે કે, ગુજરાતમાં થઈ રહેલી હિલચાલ પર પણ સીધી જ નજર રાખે છે, ત્યારે ગુજરાત સરકારની કામગીરી અંગે પણ પ્રધાનમંત્રી બારીકાઈથી માહિતગાર થઈ શકે છે. પ્રધાનમંત્રી વિવિધ વિભાગના મંત્રીઓ સાથે પણ બેઠક કરી શકે છે અને સરકારની કામગીરીની સમીક્ષા હાથ ધરી શકે છે.
દેશમાં ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં હાલ ચાલી રહેલા વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ તેમજ આગામી સમયમાં આકાર પામનાર પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા વિમર્શ કરી અને માર્ગદર્શન આપી શકે છે.
સ્વાભાવિક છે કે, પ્રધાનમંત્રી ગુજરાતના વતની છે ત્યારે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દિલ્હી ખાતે પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ પ્રધાનમંત્રી નિવાસ ખાતે મુલાકાત માટે જતા હોય છે. જોકે, કેટલાક સંજોગોમાં દિલ્હી ખાતે મુલાકાત ન કરી શકનારા લોકોને ગુજરાત રાજભવન ખાતે પ્રધાનમંત્રી બે દિવસીય પ્રવાસ દરમિયાન મુલાકાત આપી શકે છે.
ગુજરાતમાં જે રીતે ભાજપની બહુમતી છે. આદર્શ પદ્ધતિ મુજબ 24 મંત્રીઓનું હોવું જોઈએ. પરંતુ હાલ ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં 17ની જ સંખ્યા છે. પ્રધાનમંત્રી પોતાની મુલાકાત દરમિયાન રાજભવન ખાતે મંત્રીઓ સાથે પણ વિભાગની સમીક્ષા તેમજ વિભાગીય કામગીરી અંગે પણ જાણકારી મેળવી શકે છે. આમ, નબળી કામગીરી કરનારા મંત્રીઓ પર તવાઈ આવી શકે છે. આ સાથે જ આગામી સમયમાં થનારા મંત્રીમંડળ અંગેનો પણ ઘાટ ઘડાઈ શકે છે.
ગુજરાતમાં ઘણા સમયથી આઈપીએસની બદલી પેન્ડિંગ રહી છે. પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત દરમિયાન બદલી સંદર્ભે પણ ગૃહ વિભાગ સાથે ચર્ચા થઈ શકે છે. આ ચર્ચાને પગલે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ આઈપીએસની પણ મોટાપાયે બદલી આવી શકે એવી સંભાવના છે.
ગુજરાતમાં હાલ ચારે તરફ અશાંતિનો માહોલ છે. જે રીતે છેલ્લા એક અઠવાડિયામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉભા થયા છે, ત્યારે ચોક્કસ ધારાસભ્યોને પણ પ્રધાનમંત્રી રૂબરૂ બોલાવી તેમની સાથે વિગતવાર વાત કરી જે તે વિસ્તારની સ્થિતિ અંગે ચીવટપૂર્વક માહિતી મેળવી શકે છે. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત પાલન માટે પણ માર્ગદર્શન આપી શકે છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હવે કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મેળવી ચૂક્યા છે, એટલે સ્વાભાવિક છે કે, પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સરળતાથી નિભાવી ન જ શકે. આવા સંજોગોમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે એવી ચર્ચા ચાલી રહી છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે રાજકીય વર્તુળોમાં એ વાત ચાલી રહી છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામ અંતર્ગત પણ ચર્ચા થઈ શકે છે.