રિપોર્ટ@દેશ: લોરેન્સ ગેંગની ધમકીઓ વચ્ચે સલમાન ખાને 'સિકંદર'નું શૂટિંગ ટાળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સલમાન ખાન એક ફેમસ સુપરસ્ટાર છે. ફિલ્મ જગતમાં તેનું નામ મોટું છે. સલમાનના ગણા લોકો ફેન છે. સલમાનની કેટલીક ફિલ્મો સારી ગઈ છે. સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. ત્રણ દિવસ પહેલાં ટ્રાફિક-પોલીસના વ્હોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યો મેસેજ આવ્યો હતો, જેમાં 5 કરોડ રૂપિયાની માગણી પણ કરવામાં આવી હતી. હવે ધમકી આપનાર જ ડરી ગયો હોય એવું લાગે છે અને તેને ભૂલ સ્વીકારતાં કહ્યું હતું કે મેસેજ ભૂલથી થઈ ગયો હતો. તેણે પોતાની ઓળખ લોરેન્સ ગેંગના સભ્ય તરીકેની આપી હતી.
18 ઓક્ટોબરે મુંબઈ ટ્રાફિક પોલીસને વ્હોટ્સએપ પર એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં સલમાન પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. એમાં ધમકી આપવામાં આવી હતી કે જો અભિનેતા પૈસા નહીં ચૂકવે તો તેની હાલત NCP નેતા બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ કરવામાં આવશે.
મેસેજમાં લખ્યું હતું, 'આને હળવાશથી ન લેશો. જો સલમાન ખાને જીવિત રહેવું હોય અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા 5 કરોડ રૂપિયા આપી દે. જો પૈસા નહીં આપે તો સલમાનની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ થઈ જશે. પોલીસના જણાવ્યા મુજબ, આ વ્યક્તિએ પોતાને લોરેન્સ ગેંગનો નજીકનો સહયોગી ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે ખાન અને ગેંગસ્ટર વચ્ચે સોદો કરી શકે છે.
બીજી તરફ, બિશ્નોઈ ગેંગની ધમકીઓને કારણે સલમાનનું કામ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર જાણકારી મળી રહી છે કે સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ સુરક્ષાના કારણોસર સ્થગિત કરવામાં આવ્યું છે. ઉપરાંત થોડા સમય માટે કંઈ નવું શૂટ કરવાના નથી, હાલ કેટલા સમય માટે શૂટિંગ મોકૂફ રહેશે એ હજુ સુધી તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
થોડા દિવસો પહેલાં જ સમાચાર આવ્યા હતા કે અજય દેવગન સ્ટારર ફિલ્મ 'સિંઘમ અગેઇન'માં સુપરસ્ટાર સલમાન ખાન પણ તેના સુપરકોપ અવતારમાં જોવા મળશે. અહેવાલો અનુસાર સલમાન ખાન 'સિંઘમ અગેન'માં ચુલબુલ પાંડેના રોલમાં કેમિયો આપવાના હતા. પરંતુ હવે પ્લાન બદલાઈ ગયો છે.