રિપોર્ટ@પ્રયાગરાજ: મહાકુંભનાં મેળામાં આવવા-જવા માટેના માર્ગ અલગ કરાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો યોજાયો છે. કરોડો લોકો આ મેળામાં પહોચ્યાં હતા. બુધવારે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ બાદ આજે ભીડ ઓછી છે. મેળામાં આવવા-જવા માટેના માર્ગ અલગ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મેળા વિસ્તારને સંપૂર્ણ નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે અહીં કોઈ વાહન પ્રવેશશે નહીં. તેમજ VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે. આ નિયમો 4 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.
અખિલેશ યાદવે કહ્યું કે હું પીડિતોને મળવા નહીં જઈશ. હું મળવા જઈશ તો ભાજપ મારા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવશે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક કહ્યું- તપાસ માટે કમિશનની રચના કરવામાં આવી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
DGP પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ મેળાના વિસ્તારનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસરે જ્યાં નાસભાગ મચી હતી તે સ્થળે તેઓ હાજર છે.
આજે બપોરે 12 વાગ્યા સુધી 1.15 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યાના દિવસે મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતમાં 35 થી 40ના મોત થયા હતા. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 30 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ દરમિયાન 60 લોકો ઘાયલ થયા છે.
પ્રયાગરાજ મહાકુંભનો આજે 18મો દિવસ છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 27.50 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યાના રોજ લગભગ આઠ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.સરકારે 2019માં કુંભમાં તહેનાત અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા છે, જેથી વ્યવસ્થામાં વધુ સુધારો કરી શકાય.