રિપોર્ટ@દેશ: રશિયામાં 3 જગ્યાએ આતંકી હુમલો થયો, 9નાં મોત નીપજ્યા

9નાં મોત નીપજ્યા
 
રિપોર્ટ@દેશ: રશિયામાં 3 જગ્યાએ આતંકી હુમલો થયો, 9નાં મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એક વાર આતંકી હુમલાની ઘટના સામે આવી છે.  રશિયાના દાગિસ્તાનમાં રવિવારે (23 જૂન), આતંકવાદીઓએ બે ચર્ચ, એક સિનેગોગ (યહૂદી મંદિર) અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. જેમાં એક પાદરી અને 8 પોલીસકર્મીઓ સહિત કુલ 9 લોકોના મોત થયા હતા. 25 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તે જ સમયે, 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

CNN અનુસાર, આતંકવાદીઓએ પાદરીનું ગળું કાપી નાખ્યું હતું. પાદરી 66 વર્ષના હતા. જે યહૂદી ધર્મસ્થળ અને ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો તે દાગિસ્તાનના ડર્બેન્ટ શહેરમાં છે, જે મુખ્યત્વે મુસ્લિમ ઉત્તર કાકેશસમાં યહૂદી સમુદાયનો ગઢ છે. જ્યારે જે પોલીસ સ્ટેશન પર હુમલો થયો છે તે ડર્બેંટથી 125 કિમી દૂર દાગિસ્તાનની રાજધાની મખાચકાલામાં છે. રશિયાની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ પણ એક નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરી છે. દાગિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સશસ્ત્ર હુમલાખોરોના એક જૂથે એક સિનેગોગ અને એક ચર્ચ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. કેટલાક ભાગી ગયા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. 

અલજઝીરા ન્યૂઝ નેટવર્ક અનુસાર, આતંકવાદી હુમલાને કારણે ડર્બેન્ટમાં એક સિનેગોગ અને એક ચર્ચમાં આગ લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. હુમલા બાદ હુમલાખોરો કારમાં ભાગતા દેખાયા હતા. આતંકવાદીઓએ અન્ય યહૂદી ધર્મસ્થળ પર પણ ગોળીબાર કર્યો હતો. સારી વાત એ હતી કે તે સમયે ત્યાં કોઈ નહોતું. રશિયન સમાચાર એજન્સી TASS એ અહેવાલ આપ્યો છે કે હુમલાખોરો એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના આતંકીઓ હતા. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.


દાગિસ્તાને આ હુમલા માટે યુક્રેન અને નાટો દેશોને જવાબદાર ઠેરવ્યા છે. દાગિસ્તાનના નેતા અબ્દુલખાકિમ ગડઝિયેવે ટેલિગ્રામ પર લખ્યું, 'એમાં કોઈ શંકા નથી કે આ આતંકવાદી હુમલા કોઈ ને કોઈ રીતે યુક્રેન અને નાટો દેશોની ગુપ્તચર સેવાઓ સાથે જોડાયેલા છે. રશિયામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને યુક્રેન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પડોશી દેશ ચેચન્યાના પ્રમુખ રમઝાન કાદિરોવે કહ્યું કે જે બન્યું તે ઉશ્કેરણી જેવું અને નિવેદનો વચ્ચે મતભેદ ઊભું કરવાના પ્રયાસ જેવું લાગ્યું છે.