રીપોર્ટ@દેશ: મિશન મૂન એટલે કે ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સૂઈ રહેલા વિક્રમ અને પ્રજ્ઞાન હજુ વધુ આરામ કરશે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને જગાડવાનો કાર્યક્રમ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. મતલબ કે આજે પણ વિક્રમ અને પ્રજ્ઞાન જાગશે નહીં અને વધુ એક દિવસ આરામથી સૂઈ રહેશે. ખરેખમાં ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને જગાડવાનો કાર્યક્રમ આજે એક દિવસ એટલે કે 22 સપ્ટેમ્બરે મુલતવી રાખ્યો છે.
હવે શનિવારે એટલે કે 23 સપ્ટેમ્બરે ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન અને વિક્રમને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, અગાઉ અમે 22 સપ્ટેમ્બરની સાંજે રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમને ફરીથી સક્રિય કરવાની યોજના બનાવી હતી પરંતુ હવે કેટલાક કારણોસર અમે તેને આવતીકાલે એટલે કે 23 સપ્ટેમ્બરે જગાડવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે મૂન મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હવે 23 સપ્ટેમ્બરે ઊંઘમાંથી જાગવા માટે તૈયાર છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 23 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યા હતા જે હવે 'શિવ શક્તિ પોઇન્ટ' તરીકે ઓળખાય છે.
ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક પ્રયોગો કર્યા પછી આ મહિનાની શરૂઆતમાં ISRO દ્વારા રોવર અને લેન્ડરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા. રોવર પ્રજ્ઞાનને 2 સપ્ટેમ્બરે સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ 4 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારથી બંને ચંદ્ર પર શાંતિથી સૂઈ રહ્યા છે. જો ISRO ચંદ્ર પર સૂર્યોદય થતાંની સાથે જ લેન્ડર અને રોવરને ફરીથી સક્રિય કરે છે તો ચંદ્રયાન-3ના પેલોડનો પ્રયોગો માટે ફરી એકવાર ઉપયોગ કરી શકાશે.
મિશન ચંદ્રયાન-3 હેઠળ ચંદ્ર પર હાજર વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર ઘણા પ્રયોગો કર્યા છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર 100 મીટરથી વધુનું અંતર કાપ્યું હતું, જે દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (S) ની હાજરીની પુષ્ટિ કરે છે. ત્યાં જ વિક્રમ લેન્ડરે દક્ષિણ ધ્રુવીય પ્રદેશમાં નજીકની સપાટીના ચંદ્ર પ્લાઝ્મા પર્યાવરણનું અભૂતપૂર્વ માપન પણ કર્યું હતું. ઈસરોએ શરૂઆતમાં રોવર માટે 300-350 મીટરનું અંતર કાપવાનું આયોજન કર્યું હતું. જોકે કેટલાક કારણોસર રોવર અત્યાર સુધી માત્ર 105 મીટર જ આગળ વધી શક્યું છે. છતાં મિશન તેના ઉદ્દેશ્યો કરતાં ઘણું આગળ વધી ગયું છે. વિક્રમ લેન્ડરે ચંદ્ર પર હોપ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જે ભવિષ્યના ચંદ્ર મિશન અને માનવ સંશોધન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
ચંદ્રના દક્ષિણી ધ્રુવીય પ્રદેશમાં જ્યાં લેન્ડર અને રોવર બંને સ્થિત છે ત્યાં ફરીથી સૂર્યપ્રકાશ જોવા મળશે અને તેમની સૌર પેનલો ટૂંક સમયમાં ચાર્જ થવાની અપેક્ષા છે. ISRO હવે લેન્ડર અને રોવર સાથે સંપર્ક પુનઃસ્થાપિત કરવા અને તેમને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે અમે લેન્ડર અને રોવર બંનેને 'સ્લીપ મોડ' પર મૂકી દીધા છે કારણ કે તાપમાન માઈનસ 120-200 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. 20મી સપ્ટેમ્બરથી ચંદ્ર પર સૂર્યોદય થશે અને અમને આશા છે કે સૌર પેનલ્સ અને અન્ય સાધનો સંપૂર્ણપણે ચાર્જ થઈ જશે તેથી અમે લેન્ડર અને રોવર બંનેને સક્રિય કરવાનો પ્રયાસ કરીશું.
દેસાઈએ ગઈ કાલે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે જો આપણે નસીબદાર હોઈશું તો અમારું લેન્ડર અને રોવર બંને સક્રિય થઈ જશે અને અમને કેટલાક વધુ પ્રાયોગિક ડેટા મળશે, જે ચંદ્રની સપાટીની વધુ તપાસ માટે અમારા માટે ઉપયોગી થશે. અમે 22મી સપ્ટેમ્બરથી આ પ્રવૃત્તિ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અમે લેન્ડર અને રોવર બંનેને સક્રિય કરવા અને કેટલાક વધુ ઉપયોગી ડેટા મેળવવાની રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્ર પર ઉતર્યા પછી લેન્ડર, રોવર અને પેલોડે એક પછી એક પ્રયોગો કર્યા જેથી તે 14 પૃથ્વી દિવસ (એક ચંદ્ર દિવસ) ની અંદર પૂર્ણ કરી શકાય. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે.