રિપોર્ટ@કોલકાતા: બળાત્કાર-હત્યા મામલે ડોક્ટર ગંભીર ભૂખ હડતાળ પર, IMAએ મમતાને શું લખ્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક ઘટના સામે આવતી હોય છે. કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં 6 ઓક્ટોબરથી 7 ટ્રેઇની ડોક્ટર ઉપવાસ પર છે. ટ્રેઇની ડોક્ટર અનિકેત મહતોની હાલત નાજુક બની હતી. અનિકેતને આરજી કાર મેડિકલ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યો હતો.
આરજી કારના ક્રિટીકલ કેર યુનિટ (સીસીયુ) ઈન્ચાર્જ ડો. સોમા મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે અનિકેતને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ડોક્ટરની હાલત નાજુક છે, તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. 5 ડોક્ટરોની ટીમ તેના પર નજર રાખી રહી છે.
જુનિયર ડોક્ટર દેબાશિષ હલદરે જણાવ્યું કે ભૂખ હડતાળ પર બેઠેલા અનિકેત છેલ્લા કેટલાક દિવસોથી પાણી પણ પીતો ન હતો. વધુ 6 જુનિયર તબીબોની તબિયત પણ લથડી રહી છે. જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે તમામ સાધનો તૈયાર રાખ્યા છે.
8 ઓગસ્ટની રાત્રે આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટે પીડિતાની લાશ મેડિકલ કોલેજમાંથી મળી આવી હતી. બીજા દિવસથી જુનિયર ડોક્ટરોએ 42 દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યું.
રાજ્ય સરકારે તબીબોની માંગણીઓ સ્વીકારી નથી. જેના કારણે તબીબોએ પાંચમી ઓક્ટોબરની સાંજથી ભૂખ હડતાળ શરૂ કરી હતી. આમાં 9 ડોક્ટરો સામેલ છે, આજે ભૂખ હડતાળનો છઠ્ઠો દિવસ છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)ના પ્રમુખ આરવી અશોકને ઉપવાસ પર બેઠેલા જુનિયર ડોક્ટરોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરો લગભગ એક અઠવાડિયાથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. બંગાળ સરકારે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. તમે ડોકટરોની તમામ માંગણીઓ સ્વીકારવા સક્ષમ છો.
ભૂખ હડતાળ પર બેઠેલા તબીબોની તબિયતની માહિતી મેળવવા રાજ્યના આરોગ્ય વિભાગે ગુરુવારે સાંજે 4 નિષ્ણાત તબીબોની ટીમને ભૂખ હડતાળના સ્થળે મોકલી હતી. ટીમમાં હાજર દીપેન્દ્ર સરકારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ડોક્ટરોએ 5 દિવસથી કંઈ ખાધું નથી, તેથી તેમના સ્વાસ્થ્યના માપદંડો ઘટી ગયા છે. અમે તેમના માતા-પિતા જેવા છીએ. અમે તેમને તેમની તબિયત બગડે તે પહેલા હોસ્પિટલમાં દાખલ થવાનું સૂચન કર્યું છે.
ડોક્ટરોની ટીમે 9 ઓક્ટોબરે મુખ્ય સચિવ મનોજ પંત સાથે લગભગ 2 કલાક સુધી બેઠક કરી હતી. હડતાળ પર બેઠેલા તબીબોનો આક્ષેપ છે કે તેમને આશ્વાસન સિવાય કશું મળ્યું નથી. જુનિયર ડોક્ટરે કહ્યું- રાજ્ય સરકારે દુર્ગા પૂજા પછી માંગણીઓ પર વિચાર કરવાનું કહ્યું છે. અમારા સાથીઓ 4 દિવસથી ભૂખ હડતાળ પર છે, અમને આવી કઠોરતાની અપેક્ષા નહોતી.
સોલ્ટ લેક સ્થિત આરોગ્ય વિભાગના મુખ્ય મથક ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યભરમાંથી મેડિકલ કોલેજોના 20 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. દેવાશિષ હલદરે કહ્યું કે મુખ્ય સચિવ કેમ્પસમાં સુરક્ષા પગલાં લાગુ કરવા માટે રાજ્ય દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે એ જ જૂની વાતોનું પુનરાવર્તન કરી રહ્યા છે. સરકારે બાકીની માંગણીઓ અંગે કોઈ લેખિત સૂચના આપવા અથવા તેના માટે કોઈ સમય મર્યાદા આપવાનો પણ ઇનકાર કર્યો હતો.